તાઇપેઇ,
તાઇવાને ચીનની ઘૂસણખોરી અને યુદ્ધની તૈયારીઓના ખતરા સામે પોતાની તૈયારી પણ ઝડપી કરી છે. તેના માટે તાઇવાન મહિલાઓને રિઝર્વ ફોર્સમાં સામેલ કરીને પુરુષોની માફક મિલિટરી ટ્રેનિંગ આપવા જઇ રહ્યું છે. જે મહિલાઓ રિઝર્વ ફોર્સમાં સામેલ થવા માંગે છે તેઓ સ્વેચ્છાએ ટ્રેનિંગ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
રક્ષા મંત્રાલયે કહ્યું કે તે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ૨૨૦ મહિલા સૈનિકોને તાલીમ આપશે. તાઇવાનના રક્ષા મંત્રાલયની ઑલ આઉટ ડિફેન્સ મોબિલાઇઝેશન એજન્સીના મેજર જનરલ યુ વેન-ચેંગે કહ્યું કે આ વર્ષે આ યોજનાનું પરીક્ષણ કરાશે. અત્યાર સુધી અમારી પાસે માત્ર પુરુષ ઉમેદવારોને જ મિલિટરી ટ્રેનિંગ આપવાની ક્ષમતા છે, જ્યારે મહિલાઓ માટે આવી કોઇ વ્યવસ્થા નથી. આ નિવેદન પર સાંસદોએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મહિલાઓને રિઝર્વ ટ્રેનિંગથી બહાર કરવી એ જાતીય ભેદભાવ છે.
વાસ્તવમાં, તાઇવાનની હવાઇ સરહદમાં ચીન ફાઇટર પ્લેનથી ઘૂસણખોરી કરી રહ્યું છે. ચીને તાજેતરમાં જ તાઇવાનની નજીક યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ ટ્રેનિંગની આડમાં ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જણાવી દઇએ કે તાઇવાનમાં ૧૮થી ૩૬ વર્ષની ઉંમરના પુરુષોએ અનિવાર્યપણે સૈન્ય સેવાની અવધિ પૂર્ણ કરવાની હોય છે. રજા મળ્યા બાદ, રિઝર્વ પુરુષ સૈનિકોને ૮ વર્ષમાં ૪ વાર તાલીમ માટે બીજીવાર બોલાવે છે. તાઇવાન લગભગ ૧.૨ લાખ રિઝર્વ સૈનિકોને વાર્ષિક તાલીમ આપે છે.
તાઇવાન ૨૦૨૪થી પુરુષો માટે અનિવાર્ય સૈન્ય સેવાની અવધિને ૪ મહિનાથી વધારીને એક વર્ષ કરશે. આ નિર્ણય ૨૦૦૫ બાદ જન્મેલા પુરુષો પર લાગુ થશે. તાઇવાનના સૈન્યમાં ૧.૭ લાખ જવાનો છે, જે મોટા ભાગે સ્વયંસેવકોને જોડીને બનાવાયું છે.