
ઇસ્લામાબાદ,
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન: આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ પાકિસ્તાનમાં હાહાકાર મચાવ્યો છે. પાડોશી દેશમાં દરરોજ આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. દરમિયાન, એવા સમાચાર છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન પોતાનો વધુ વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે ટીટીપી અલકાયદા સાથે ભળવાનો પ્રયાસ કરી રહી છે.
ડોનના અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રને સુપરત કરવામાં આવેલા મોનિટરિંગ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે વિશ્ર્વના આતંકવાદી સંગઠનો વિશ્ર્વમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અનેક આતંકવાદી સંગઠનો એક છત નીચે આવી શકે છે. જેમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અલકાયદા સાથે ભળી શકે છે. જે સમગ્ર વિશ્ર્વ માટે મોટો ખતરો બની જશે.
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, યુએનના કેટલાક સભ્ય દેશો એ વાતથી ચિંતિત છે કે ટીટીપી તમામ નાના આતંકવાદી સંગઠનોનું નેતૃત્વ કરી શકે છે, જે તેમને તમામ શક્તિશાળી બનાવી શકે છે. આવી સ્થિતિમાં વિશ્ર્વભરમાં આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખતા સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં પાકિસ્તાનની ફરિયાદને સમર્થન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનનો કબજો લેવામાં આવ્યા બાદથી પ્રતિબંધિત ટીટીપીએ અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધાર્યો છે.
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટીટીપી અલકાયદામાં ભળી શકે છે. આ સાથે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે અલ કાયદા પાકિસ્તાનની અંદર વધી રહેલા હુમલાઓ માટે ટીટીપીને માર્ગદર્શન આપી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ટીટીપીઁએ અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલા પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોને કબજે કરવાના પ્રયાસો તેજ કરી દીધા છે. તેને સ્પષ્ટપણે તાલિબાનનું સમર્થન છે. જો ટીટીપી અફઘાનિસ્તાનમાં ઓપરેશનનો સુરક્ષિત આધાર ચાલુ રાખશે તો તે પ્રાદેશિક ખતરો બની શકે છે.