નવીદિલ્હી, દેશમાં અત્યારે તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો. છેલ્લા ૧૫ દિવસમાં ડુંગળીના ભાવમાં ૫૦ ટકા વધારો નોંધાયો. ડુંગળીની કિમંતમાં બેન્ચમાર્ક મનાતા એવા મહારાષ્ટ્રના લાસલગાંવ છઁસ્ઝ્રમાં ડુંગળીના ભાવમાં ૫૦% થી વધુનો વધારો થયો છે. જ્યારે રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ડુંગળીના ભાવમાં ૨૫-૩૦ ટકાનો વધારો થયો છે.
રિપોર્ટસ મુજબ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં ૧૮ ટકાનો વધારો થયો છે. પખવાડિયા પહેલા ૨૪ રૂપિયા પ્રતિ કિલો વેચાણ થતી ડુંગળી છેલ્લા ૧૦ દિવસમાં ૪૫ થી ૪૮ રૂપિયા પ્રતિ કિલોએ પંહોચ્યો છે. રાજધાની દિલ્હીમાં શ્રેષ્ઠ ગુણવત્તાની ડુંગળીનો ભાવ પ્રતિ કિલોએ ૫૦ થી ૭૦ રૂપિયોએ પંહોચી ગયો છે. મહારાષ્ટ્રના બજારમાં પણ સારી ગુણવત્તાની ડુંગળી લગભગ સમાન ભાવે વેચાઈ રહી છે. કેટલીક જગ્યાએ ડુંગળીના ભાવ ૬૦થી ૭૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
બજાર નિષ્ણાતોનું માનવું છે કે ખરીફ પાકના આગમન સુધી એટલે કે ડિસેમ્બર સુધી ડુંગળીના ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે. ડુંગળી પણ એક ખરીફ પાક છે જે સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં લણવામાં આવે છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં વાવણી વિસ્તારમાં અંદાજે ૩૬ ટકાનો ઘટાડો થતા ભાવમાં વધારો થયો હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે. છેલ્લા બે વર્ષમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ખેડૂતોને નુક્સાન થતા તેમજ સામાન્ય કરતાં ઓછા વરસાદને કારણે ખરીફ પાક એવા ડુંગળીના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારે ખરીફ પાકમાં વિલંબ અને ઓછી વાવણીને કારણે વધતા ભાવને રોકવા માટે ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ડ્યૂટી લાદી હતી. આ ફી ૩૧ ડિસેમ્બર સુધી લાગુ રહેશે.
કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવ પર નિયંત્રણ લાદવા સ્થાનિક ઉપલબ્ધતા સુધારવા પ્રયાસ કર્યા. જે અંતર્ગત બફર સ્ટોક મર્યાદા ૩ લાખ ટનથી વધારીને ૫ લાખ ટન કરવાનો પણ નિર્ણય લીધો.