રોહતાસ, બિહારના રોહતાસમાં બુધવારે (૩૦ ઓગસ્ટ) ના રોજ સવારે એક ભીષણ રોડ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. ઘટના શિવસાગરની છે. તમામ સ્કોર્પિયો માં સવાર હતા જે કૈમૂર જિલ્લાના કુડારી ગામના રહેવાસી હતા. તો બીજી તરફ અકસ્માતમાં પાંચ લોકોને ઇજા પહોંચી છે. આ તમામ લોકો બોધગયાથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના સર્જાઇ હતી.
સ્કોર્પિયો માં ૧૨ લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતાં હાઇવેની સાઇડમાં પાર્ક કરેલા કન્ટેનરમાં પાછળથી સ્કોર્પિયો અથડાઈ હતી. શિવસાગર પોલીસ સ્ટેશનના વડાએ સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે જ્યારે બે બાળકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કા ઘટના શિવસાગરના પખનારી પાસે નેશનલ હાઇવે પર સર્જાઇ છે. ઘટના બાદ સ્કોર્પિયો ના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ એક જ પરિવારના છે.
ઘટના બાદ અફરાતફરી વચ્ચે એનએચએઆઇની એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઉતાવળમાં ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પાંચ ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઘણા લોકો સ્કોર્પિયો ની અંદર ફસાઈ ગયા હતા. જેમ તેમ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર એક વ્યક્તિએ જણાવ્યું કે બોધ ગયા ફરવા માટે ગયા હતા. અમે ૧૨ લોકો હતા. તમામ એક જ પરિવારના છે. સાત લોકોના મોત થયા છે. પાંચ લોકોની સારવાર ચાલી રહી છે. બીજી તરફ એનએચએઆઇના એક કર્મી નરેન્દ્ર પાંડેયએ કહ્યું કે શિવસાગર પોલીસ મથકનો કેસ છે. ટેકારી પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો છે.