ડાકોર, ડાકોર મંદિરમાં દિવાળી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવાળીમાં આવતા વિવિધ દિવસોની યાદી તૈયાર કરી તેની વ્યવસ્થામાં મંદિરના સેવકો લાગી ગયા છે. ત્યારે દિવાળીના દિવસોમાં લાખ્ખોની સંખ્યામાં જનમેદની રાજા રણછોડના દર્શનાર્થે ઉમટશે. આ વર્ષે મંદિરમાં અન્નકૂટ બેસતા વર્ષને બદલે પડતર દિવસે કરવામાં આવશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મહારાજના મંદિરમાં દિવાળીના તહેવારો માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ તમામ દિવસોએ કરવાની થતી કામગીરી અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એક ચોક્કસ સમય અને કામગીરીનું આયોજન પણ સેવકો દ્વારા મંદિરની સાફ સફાઈ અને અન્ય કામગીરી હાથ ધરાઈ હતી. મંદિરની યાદી મુજબ તારીખ 10 વાઘ બારસ થી શરૂ કરીને તા.27 મી એ કારતક સુદ પુનમ સુધીનો કાર્યક્રમ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જેમાં તા.10 મીએ નવેમ્બરે વાઘ બારસ, તા.11 મીએ ધનતેરસ, તા.12 મીએ કાળી ચૌદસ અને દિવાળી, તા. 13 મીએ અન્નકુટ અને ગોવર્ધન પૂજા તા. 14 મી ના રોજ બેસતુ વર્ષ, તા.15 મીએ ભાઈબીજ, તા.18મી એ લાભ પાંચમ, તા.20 મીએ ગોપાષ્ટમી, તા.23 મીએ તુલસી વિવાહ, તા.27 મીએ કારતક સુદ પુનમની ઉજવણી કરવામાં આવશે. જેમાં વર્ષો જૂની પરંપરા અને ચાલતી આવતી પ્રણાલી મુજબ અન્નકૂટ બપોરના ગામલોકો આમંત્રણ થી અન્નકુટની પ્રસાદી લેવા માટે આવશે. તે માટેની વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે દિવાળીના દિવસોમાં લાખોની સંખ્યામાં ભક્તો ડાકોર ખાતે પધારશે.