ગુજરાતમાં મહેસાણાના કડી GIDCમાંથી તહેવારની સિઝનમાં જ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે બાતમીના આધારે મોડી રાત્રે કડી GIDCમાં આવેલા પાંચ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જે તમામ ગોડાઉન ભાડે ચાલતા હતા. પ્રાથમિક માહિતી મુજબ પામ ઓઇલ, ફોરેન ફેટ મિક્સ કરીને ઘી બનાવવામાં આવતું હતું. જો કે એલસીબી દ્વારા શંકાસ્પદ ઘીના નમૂના લઇને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીનો માલિક હાલ ફરાર છે. પોલીસે તેને શોધવાની તાજવીજ હાથ ધરી છે
દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે કેટલાક ઈસમો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોય તેવું સામે આવી રહ્યું છે. જ્યારે દશેરાના તહેવારની સમી સાંજે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. મહેસાણા ફૂડ વિભાગ અને મહેસાણા એલસીબી દ્વારા માહિતીના આધારે કડી GIDCમાં આવેલા રાજરત્ન એસ્ટેટમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં શંકાસ્પદ રૂ. એક કરોડથી વધુનો ઘીનો જથ્થો જપ્ત કરી ઘીના નમૂના લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
કેટલાક ઈસમો ભેળસેળ્યા ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે મહેસાણા ફૂડ વિભાગના અધિકારી વી.જે.ચૌધરી અને તેમની ટીમ તેમજ મહેસાણા એલસીબી દ્વારા કડી GIDCમાં રેડ કરવામાં આવેલી હતી. જ્યાં પાંચ ગોડાઉનની અંદર શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. આ ફેક્ટરીની અંદર માહિતીના આધારે ફૂડ વિભાગ અને એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક દૃષ્ટિએ પામ ઓઇલ, ફોરેન ફેટ મિક્સ કરી બનાવવામાં આવતું હતું. જે આધારે રેડ કરવામાં આવી હતી તેમજ શંકાસ્પદ શંકાસ્પદ નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે સ્થળ પરથી 24,297 કિલો લૂઝ ઘી, 4979 કિલો લૂઝ પામોલીન, 8036 કિલો રિફાઇન પામોલીન અને અંદાજિત 5700 કિલો ફોરેન ફેટનો જથ્થો સીઝ કર્યો છે. કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તેમની કિંમત રૂ. 1.24 કરોડ રૂપિયા છે. હાલ ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.