તબીબી સાધનો બનાવતી કંપનીને સેલ્સ મેનેજરે ૬૬.૩૮ લાખનો ચૂનો ચોપડયો

ગાંધીનગર, ગાંધીનગર શહેરના સેક્ટર-૨૬ જીઆઇડીસી ખાતે આવેલી અને તબીબી સાધનોનું ઉત્પાદન કરતી કંપનીના રીઝ્યોનલ સેલ્સમેને અલગ અલગ ૧૨ જેટલી હોસ્પિટલોને બારોબાર સાધનો આપીને ૬૬.૩૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવા અંગે સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના સેક્ટર-૨૬ ક્સિાનનગર ખાતે રહેતા અને જીઆઇડીસીમાં સહજાનંદ લેઝર ટેકનોલોજી લીમીટેડ કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ મફતલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, કંપની દ્વારા વિવિધ મેડિકલ પ્રોડેક્ટનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે જે માટે અલગ અલગ રીઝ્યોનમાં સેલ્સ મેનેજર નિમવામાં આવ્યા હતા ત્યારે સાઉથ રીઝ્યોનલ માં કંપની દ્વારા તમીલનાડુંના તિરૃવંન્નમ ખાતે રહેતા ભક્તવચલમ્મ સુરેશકુમારની નિમણૂક કરવામાં આવી હતી. કંપનીના મેડિકલ સાધનોનું વેચાણ કરીને રૂપિયા કંપનીને આપવામાં આવતા હતા. ડિમાન્ડ મુજબ કંપની સાધનો મોકલીને રૂપિયા લઇ લેતી હતી તે દરમ્યાન ઓક્ટોબર-૨૦૨૧થી તેણે કંપનીમાં ચેક જમા કરાવવાનું બંધ કરી દીધું હતું.

રૂપિયાની ઉઘરાણી કરતા હોસ્પિટલોમાંથી પેમેન્ટ આવી જશે ત્યારે મોકલી આપીશ તેમ કહેતા. કંપનીએ મેડિકલના સાધનો હોવાથી ડિમાન્ડ મુજબ માલ સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું હતું જો કે, ૬૬.૩૯ લાખ જેટલી રકમ આપવાને બદલે તેણે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ કંપની દ્વારા તપાસ કરવામાં આવતા તેણે અન્ય કંપનીને રૂપિયા મોકલીને બારોબાર ચાઉં કરી દીધા હાવાનું જણાયું હતું જેથી આ મામલે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુના દાખલ કરવામાં આવે છે.