ગીર સોમનાથ,
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના તબીબ અતુલ ચગના ચકચારી આપઘાત કેસમાં પરિવારજનોએ ફરિયાદ આપ્યાના ૪૮ કલાક બાદ હજુ એફઆઇઆર નોંધાઈ નથી. પોલીસ દ્રારા હજુ એફએસએલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે,તો બીજી તરફ સાંસદ રાજેશ ચુડાસમા ભુગર્ભમાં છે. આ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ સંસદસભ્યને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
ચકચારી આપઘાત કેસમાં પરિવારજનોને મોટો પુરાવો હાથ લાગ્યો છે. ડૉ.અતુલ ચગના પુત્રની અરજીની કોપી સામે આવી છે. આ અરજીમાં ડૉ.અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણ ચુડાસમા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.રાજેશ ચુડાસમા અને તેના પિતા પાસેથી વર્ષ ૨૦૦૮ થી દોઢથી પોણા બે કરોડ રૂપિયાની રકમ લેણી છે. અવારનવાર રૂપિયા માંગવા છતાં રાજેશ ચુડાસમા અને તેના પિતા રૂપિયા પરત આપતા ન હતા. તેમજ રૂપિયા પરત ન આપવા પડે તે માટે ધમકી આપતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેમજ ૯૦ લાખ રૂપિયાનો એક ચેક રિટર્ન થયો હતો. તેમજ કેટલાક કોરા ચેક પણ મળી આવ્યા છે.જ્યારે પોલીસે મૃતક તબીબના પરિવારની અરજી સ્વીકારી છે અને આ અરજીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે પોલીસ વધુ કેટલાક પુરાવા એકત્ર કરી રહી છે.