‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’ના અસિત મોદી પર પ્રહાર: સેટ પર અભિનેતાઓને મનાસિક રીતે હેરાન કરાય છે, મને પણ માખીની જેમ ફેંકી દીધી

  • જેનિફર અને મોનિકા જે કહે છે એ જરાય ખોટું નથી

મુંબઇ, જેનિફર મિસ્ત્રી બંસીવાલ (‘મિસિસ રોશન સોઢી’) અને મોનિકા ભદોરિયા (‘બાવરી’) પછી હવે ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘રીટા રિપોર્ટર’નો રોલ કરનાર અભિનેત્રી પ્રિયા આહુજાએ પણ સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. મીડિયાને તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રિયાએ કહ્યું કે અસિત મોદીએ તેને માખીની જેમ શોમાંથી બહાર ફેંકી દીધી છે. અભિનેત્રીએ શોમાં કલાકારો માટે ખૂબ જ ખરાબ વાતાવરણ વિશે પણ વાત કરી.

જ્યારે પ્રિયાને પૂછવામાં આવ્યું કે તે શોમાંથી કેમ ગાયબ છે અને શું કલાકારો સાથે સેટ પર અન્યાયી વર્તન કરવામાં આવે છે, તો તેણે કહ્યું, ’હા, જ્યારે કલાકારો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરે છે, તો તેઓ માનસિક ઉત્પીડનનો શિકાર બને છે. મેં ત્યાં ઘણી માનસિક સમસ્યાઓનો પણ સામનો કર્યો છે.’ પ્રિયાએ આગળ કહ્યું, ’માલવ રાજડાને કારણે તેનાથી મને વધારે અસર થઈ નથી. તે મારા પતિ છે, જે ૧૪ વર્ષથી શોનું નિર્દેશન કરી રહ્યા હતા. ત્યાં કામ કરવાનો એક જ ફાયદો એ હતો કે મારી પાસે કોઈ કોન્ટ્રાક્ટ નહોતો, મને ક્યારેય બહાર કામ કરતા અટકાવવામાં આવી નહોતી.’

રીટા રિપોર્ટરે કહ્યું- અસિત મોદી, સુહેલ રામાણી અને જતીન બજાજ મારા નાના ભાઈઓ જેવા છે. તેણે ક્યારેય મારી સાથે ગેરવર્તન કર્યું નથી. પરંતુ જ્યાં સુધી કામની વાત છે તો મારી સાથે અન્યાય થયો છે. માલવ સાથેનાં લગ્ન પછી તેમણે ટ્રેક ટૂંકાવી દીધો. તે હવે સમાન નથી. પ્રેગ્નન્સી પછી મને મારા રોલ વિશે કંઈ જ ખબર નહોતી. પ્રિયાએ કહ્યું- ’તે ઘણી વખત મારા પર કોમેન્ટ કરતા હતા. તેઓ કહેતા- અરે, તમારે કામ કરવાની શી જરૂર છે, માલવ કામ કરે છે ને? તમે તમારું જીવન રાણીની જેમ જીવો. માલવ સાથે લગ્ન કરતાં પહેલાં હું આ શોનો ભાગ હતી. જો કે, મને ક્યારેય યોગ્ય પ્રતિસાદ મળ્યો નહીં. માલવ શૂટિંગ કરી રહ્યો હતો અને હું પણ થોડું કામ કરી રહી હતી. તેથી જ મને આર્થિક  રીતે કોઈ અસર થઈ નથી. તેથી જ મેં ક્યારેય બોલવાની તસ્દી લીધી નથી.

પ્રિયા આહુજાએ જેનિફર મિસ્ત્રીનાં વખાણ કર્યાં હતાં. તેણે કહ્યું કે તે સેટ પર બધાનું ધ્યાન રાખતી હતી. તે દરેક માટે ઊભી રહેતી. તેને આશ્ર્ચર્ય થાય છે કે જ્યારે બંને ખૂબ સારા મિત્રો હતાં ત્યારે મંદાર (ચાંદવાડકર, ‘આત્મારામ ભીડે’નું પાત્ર ભજવતા એક્ટર) તેની વિરુદ્ધ કેમ બોલ્યા. પ્રિયાએ વધુમાં જણાવ્યું હતું કે તે જાતીય સતામણી વિશે જાણતી ન હતી કારણ કે તે સમયે તે સિંગાપોરમાં હાજર ન હતી. પરંતુ કામ દરમિયાન તેણી ક્યારેય અનુશાસનહીન ન હતી. તેમનો સ્વભાવ ક્યારેય અપમાનજનક ન હતો. તે કેમેરા પર્સન સાથે પણ સરસ વાત કરતી હતી.પ્રિયા આહુજાએ કહ્યું કે મોનિકા ભદોરિયા અને અન્ય જેઓ અસિત મોદી વિરુદ્ધ બોલી રહ્યા છે તે ખોટું નથી. આ કારણ છે કે અસિત મોદી અને તેમના લોકોએ પોતે તેમના મેસેજનો જવાબ પણ આપ્યો ન હતો.પ્રિયાએ આગળ કહ્યું- ’જ્યારે માલવે શો છોડ્યો ત્યારે મેં અસિત ભાઈને ઘણી વાર મેસેજ કર્યો, ઘણી વાર પૂછ્યું કે શોમાં મારો ટ્રેક શું છે પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં. હા, મને ખરાબ લાગે છે કે જ્યારથી માલવે શો છોડ્યો ત્યારથી તેમણે મારા મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે. તેણે શો છોડ્યાને ૬ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ મને શૂટ માટે બોલાવવામાં આવી નથી. એક કલાકાર હોવાના લીધે મને તે અયોગ્ય લાગે છે.તેણે કહ્યું- મેં સુહેલને ફોન કર્યો અને અસિતજીને મારા ટ્રેક વિશે પૂછવા વિનંતી કરી. મેં અસિતને ભાઈનો મેસેજ મોકલ્યો કે શું હું હજુ પણ આ શોનો ભાગ છું કે નહીં, પણ બંને તરફથી કોઈ જવાબ મળ્યો નહીં.

પ્રિયાએ કહ્યું- ’જો હું આ શોનો ભાગ નથી, તો તેમણે આ કહેવું જોઈતું હતું. હું આ શોમાં પરત આવવા માટે મરી નથી રહી, પરંતુ તે ખોટું છે કે માલવે શો છોડી દીધો, તેથી મને બોલાવવા પણ માગતા નથી. છેલ્લાં ૬-૭ વર્ષથી તેમનું વલણ જે રીતે રહ્યું છે. તેને જોઈને, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તે હવે મને બોલાવશે નહીં. તેઓએ મને ફક્ત લટકાવી રાખી છે.’