
મુંબઈ,
’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૪ વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. અત્યાર સુધીમાં આ સિરિયલ અનેક કલાકારોએ છોડી દીધું છે. તારક મહેતાનું પાત્ર પહેલા શૈલેશ લોઢા પ્લે કરતા હતા. જોકે, તેમણે ગયા વર્ષે આ શો છોડી દીધો છે. હાલમાં જ એવી વાત સામે આવી છે કે શો છોડ્યાના છ મહિના બાદ પણ ફી ચૂકવવામાં આવી નથી.
અહેવાલ પ્રમાણે, મેર્ક્સે શૈલેષને એક વર્ષથી વધુની ફી આપી નથી. તેમને શો છોડે ૬ મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે. શૈલેષ લાંબા સમયથી પોતાની ફી પરત મળે તેની રાહ જુએ છે, પરંતુ પ્રોડ્યુસર અસિત મોદી આ અંગે ધ્યાન આપતા નથી. ઉલ્લેખનીય છે કે શૈલેષ લોઢાએ એપ્રિલ, ૨૦૨૨માં આ શો છોડ્યો હતો.વધુમાં અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, માત્ર શૈલેષ લોઢા જ નહીં, પરંતુ મેર્ક્સે ટપુનો રોલ પ્લે કરતા રાજ અનડકટ તથા અંજલિ મહેતાની ભૂમિકા ભજવનાર નેહા મહેતાને પણ હજી સુધી પૈસા આપ્યા નથી. નેહાને શો છોડે દોઢ વર્ષથી પણ ઉપરનો સમય થઈ ગયો છે, પરંતુ તેને હજી સુધી તેની બાકીની ફી ૩૦-૪૦ લાખ રૂપિયા મળ્યા નથી.
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે જ્યારે શૈલેષ લોઢા સાથે આ અંગે વાત કરવામાં આવી તો તેમણે મજાકમાં કહ્યું હતું, ’મને કંઈક નવું કહો. હાલમાં હું મારા કવિતાની ઇવેન્ટને કારણે ટૂર પર જાઉં છું. જ્યારે પરત ફરીશ ત્યારે આ અંગે વાત કરીશ.’ અસિત મોદીએ આ મુદ્દે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી.
કેમ શો છોડ્યો? માનવામાં આવે છે કે શૈલેષ લોઢાને મેર્ક્સ સામે વાંધો હતો અને તેને કારણે તેમણે આ શો છોડી દીધો હતો. જોકે, એક્ટરે હજી સુધી આ અંગે કોઈ વાત કરી નથી.
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ ૨૦૧૮માં કાડયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થતાં હવે કિરણ ભટ્ટ આ પાત્ર ભજવે છે.