તા.24 જુલાઈના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે: તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે 10/07/2024 સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીને અરજી કરવાની રહેશે.

તાલુકા કક્ષાએ “તાલુકા સ્વાગત કાર્યક્રમ” તા.24/07/2024ને બુધવારના રોજ વર્ગ-1,2 ના નોડલ અધિકારીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ તા.10/07/2024 સુધીમાં સંબંધિત મામલતદાર કચેરી, નડીઆદ(શહેર/ગ્રામ્ય)/ ખેડા/કપડવંજ/ મહેમદાવાદ/ઠાસરા/ મહુધા/કઠલાલ/માતર /વસો/ગળતેશ્ર્વરની કચેરીઓમાં ત્રણ નકલમાં સુવાચ્ય અક્ષરોમાં, એ/4 કાગળ ઉપર કરવાની રહેશે. અરજદારનો પોતાનો પ્રશ્ર્ન હોવો જોઈએ. તેમજ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત કચેરી ખાતે પહેલા રજુઆત કરેલી હોવી જોઈએ અથવા પ્રશ્ર્ન તાલુકા કક્ષાનો હોવો જોઈએ. બીજાનો પ્રશ્ર્ન રજુ કરી શકશે નહી.

તેમજ એક જ વિષયની એક અરજી સ્વીકારવામાં આવશે. અરજદારે આધાર પુરાવા સહિત કરેલ અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે. અરજીના મથાળે “તાલુકા સ્વાગત કાર્યક્રમ ” લખવાનું રહેશે. તેમજ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર ફરજીયાત પણે દર્શાવવાનો રહેશે. પોસ્ટ કાર્ડ કે આંતરદેશિય પત્રો વિગેરે ઉપર અરજી કરી શકાશે નહી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કોઈ પણ અરજદાર એકથી વધુ પ્રશ્ર્નો પૂછી શકશે નહી.

આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્ર્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની નોંધ લેવા જનસંપર્ક અધિકારી, ખેડા-નડિયાદ દ્વારા જણાવાયુ છે.