નવીદિલ્હી, આગામી વર્ષે યોજાનારી લોક્સભા ચૂંટણી પૂર્વે તા.૧ ફેબ્રુઆરીના સંસદના ટુંકા બજેટ સત્રમાં કોઇ મોટી જાહેરાત થશે નહીં. નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે લોક્સભામાં ચાલુ નાણાંકીય વર્ષ માટે વધારાની ગ્રાન્ટની મંજુરી માંગતા કહ્યું હતું કે તા.૧ ફેબ્રુઆરીના વચગાળાનું બજેટ રજુ થશે અને પૂર્ણ બજેટ નવી સરકારની રચના બાદ કરવામાં આવશે.
સીતારામને કહ્યું કે લેખાનુદાન એટલે કે વોટ ઓન એકાઉન્ટમાં કોઇ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. સરકાર લેખાનુંદાન એટલે રજુ કરશે કે જેથી ૨૦૨૪-૨૫ના ગાળામાં ચૂંટણી બાદ નવી સરકાર આવે ત્યાં સુધી સરકારી કામકાજ અને જે નિશ્ર્ચીત ખર્ચ છે તે ચાલતા રહેશે.
તેમણે કહ્યું કે વચગાળાનું બજેટ તા.૧ ફેબ્રુઆરીએ રજુ કરાશે. તેમણે કહ્યું કે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસથી આ વચગાળાના બજેટની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી હતી. અને પ્રોવીઝનલ આંકડાઓ મેળવાયા છે. વિવિધ સરકારી ખર્ચો માટે જે નાણા જરુર છે અને હાલના સમયમાં જે વધારાની આવક હશે તેના આધારે આ લેખાનુદાન રજુ કરવામાં આવ્યું છે. નિર્મલા સિતારામને કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારે સબસીડી તથા મનરેગા યોજનાના વધેલા ખર્ચને જોતા રૂા.૧.૨૯ લાખ કરોડની વધારાની ગ્રાન્ટની માંગણી કરી છે. નવી સરકાર દ્વારા બાદમાં પૂર્ણ બજેટ રજુ કરવામાં આવશે.
દર પાંચ વર્ષે યોજાતી લોક્સભાની ચૂંટણી માટે આ રીતની પરંપરા ચાલી આવી છે. ચૂંટણી હોવાથી સરકાર કોઇ મહત્વની નાણાંકીય કે અન્ય જાહેરાત કરતી નથી. પરંતુ નવી સરકાર મે માસના અંત સુધીમાં રચાયા બાદ જુલાઇના પ્રથમ સપ્તાહમાં જે તે સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. મોદી સરકારે લોક્સભા ચૂંટણી માટે અનેક યોજનાઓ તૈયાર રાખી છે, પરંતુ તે બજેટ બહાર જાહેરાત કરે તેવી શક્યતા છે. ખાસ કરીને દેશના દરેક નાગરિકો માટે પેન્શન યોજના અંગે પણ ચર્ચા છે. અને સરકાર તે મારફત ખાસ કરીને બહેનોને દર મહિને ચોક્કસ રકમ મળતી રહે તે જોવા માંગે છે. જો કે તે આગામી વર્ષે ચૂંટણી પછીના બજેટમાં સમાવાશે. પરંતુ ચૂંટણી વચ્ચે તરીકે તે સામેલ કરશે તેવું મનાય છે.