ટી ૨૦ વર્લ્ડ કપમાં રિષભ પંત નહીં પણ સંજુ સેમસન નંબર-૧ વિકેટકીપર હોવો જોઈએ?

નવીદિલ્હી,ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીઓને તક મળશે તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે? ટીમમાં સ્પિનરો કોણ હોવા જોઈએ? જસપ્રીત બુમરાહની સાથે ફાસ્ટ બોલિંગની કમાન કોને મળશે? દરેક પ્રશ્ર્નનો જવાબ સરળ નથી. ઓપનિંગ પછી જો કોઈ સૌથી મુશ્કેલ પ્રશ્ર્ન હોય તો તે વિકેટકીપરનો છે, જેમાં રિષભ પંત અને સંજુ સેમસન વચ્ચે સ્પર્ધા છે. આ સ્થાન કોને મળવું જોઈએ તે વિશે દરેકનો પોતાનો અભિપ્રાય છે, પરંતુ સેમસને પોતાનો દાવો ખૂબ જ મજબૂત કર્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ૩૦ એપ્રિલે ટી ૨૦ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી, જેમાં રિષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા. પંતનો આ ત્રીજો ટી ૨૦ વર્લ્ડ કપ હશે, જ્યારે સેમસન પહેલીવાર આઇસીસી ઈવેન્ટનો ભાગ બનશે. બંને ખેલાડીઓ અલગ-અલગ સંજોગોમાં આ વર્લ્ડ કપમાં આવ્યા છે. પંત દોઢ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ પુનરાગમન કરી રહ્યો છે, જ્યારે સેમસન સતત અવગણના બાદ શાનદાર સિઝનના આધારે જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

સુત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ અત્યાર સુધી ટીમ મેનેજમેન્ટ રિષભ પંતને પ્લેઈંગ ઈલેવન માટે પ્રથમ પસંદગી તરીકે બોલાવી રહ્યું છે. પંતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ૧૨ ઈનિંગ્સમાં ૪૧ની એવરેજ અને ૧૫૬ના મજબૂત સ્ટ્રાઈક રેટથી ૪૧૩ રન બનાવ્યા છે. સારી વિકેટકીપિંગ અને બેટિંગ સિવાય તેને ટીમમાં રાખવાનું કારણ એ છે કે તે ડાબોડી બેટ્સમેન છે, જેની ઉણપ ટીમ ઈન્ડિયા અનુભવી રહી છે. આવું હોવા છતાં આઇપીએલ ૨૦૨૪ ના પ્રદર્શનને જોતા સંજુ સેમસન આ વખતે વધુ સારો વિકલ્પ જણાય છે અને તેના ઘણા ઉદાહરણોમાંથી એક મંગળવારે રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ સામે જોવા મળ્યું. સેમસને આ મેચમાં માત્ર ૪૬ બોલમાં ૮૬ રનની ઈનિંગ રમી હતી. ખાસ વાત એ હતી કે રાજસ્થાનના ત્રીજા બોલ પર તે ક્રિઝ પર આવ્યો ત્યારે તેની ઈનિંગ આવી. વળતો હુમલો કરતા સેમસને માત્ર ૧૬ બોલમાં ૪૧ રન બનાવ્યા અને દિલ્હીને શરૂઆતની સફળતાનો ફાયદો ઉઠાવવા દીધો નહીં.

જો કે, સેમસન ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો અને તેના માટે તેની વિવાદાસ્પદ આઉટને પણ જવાબદાર ગણી શકાય, પરંતુ આ હાર છતાં સેમસને બતાવ્યું કે તે અત્યારે વધુ તૈયાર દેખાય છે. જે બાબત તેમના પક્ષમાં જાય છે તેનો ઉલ્લેખ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન મેથ્યુ હેડને પણ ચર્ચા દરમિયાન કર્યો હતો. હેડને કહ્યું કે અત્યારે સંજુની રમત સ્પિન અને પેસ સામે એટલી જ સારી છે અને તે જાણે છે કે ઈનિંગ્સને કેવી રીતે ગતિ આપવી.

આ સિઝનમાં અત્યાર સુધી સેમસને ૧૧ ઈનિંગ્સમાં ૬૭ની શાનદાર એવરેજ અને ૧૬૩ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી ૪૭૧ રન બનાવ્યા છે. આ રીતે હાલમાં દરેક રીતે સેમસન પંત કરતા આગળ છે. સૌથી મહત્વની વાત એ છે કે સેમસને આ સિઝનમાં રન બનાવવાના મામલે સાતત્ય દાખવ્યું છે, જેના માટે ગત સિઝન સુધી દરેક વખતે તેની ટીકા થઈ હતી. જો કે સેમસને ત્રીજા નંબર પર આ રન બનાવ્યા છે, પરંતુ તે કોઈપણ પરિસ્થિતિમાં પ્રથમ બોલથી મોટા શોટ મારવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને વેસ્ટ ઈન્ડિઝની ધીમી પીચો પર તેની ક્ષમતાની જરૂર પડશે.