મુંબઇ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટી ૨૦ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં પણ ભારતને એક સારા સમાચાર મળ્યા કે રિંકુ સિંહે માત્ર ભારતીય પીચો પર જ નહીં પરંતુ સાઉથ આફ્રિકાની બાઉન્સ અને સ્વિંગથી ભરેલી વિદેશી પિચો પર પણ શાનદાર ઈનિંગ રમી હતી.
સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાને બીજી ટી ૨૦ મેચમાં ૫ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં રિંકુ સિંહે ૩૯ બોલમાં ૧૭૪.૩૬ના સ્ટ્રાઈક રેટથી અણનમ ૬૮ રન બમાવ્યા હતા. આ દરમિયાન તેણે ૯ ફોર અને ૨ સિક્સર ફટકારી હતી. જોકે, ભારતની ઇનિંગમાં ૩ બોલ બાકી હતા અને વરસાદના કારણે મેચ રોકવી પડી હતી, નહીં તો રિંકુ પોતાનો સ્કોર વધુ મોટો કરી શક્યો હોત. આ ઇનિંગની મદદથી રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ સાઉથ આફ્રિકા સામે તેના ઘર આંગણે આવી હતી. આ ઇનિંગ દરમિયાન બીજી એક ખાસ વાત જોવા મળી, જે સામાન્ય રીતે મેચ દરમિયાન જોવા મળતી નથી.
વાસ્તવમાં, રિંકુ સિંહે સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામના બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી, આ દરમિયાન રિંકુ સિંહની એક સિક્સ સીધી મેદાનના મીડિયા બૉક્સ સાથે અથડાઈ હતી અને ત્યાંનો કાચ તૂટી ગયો હતો. રિંકુ સિંહે ફટકારેલા આ સિક્સરનો વીડિયો અને તૂટેલા કાચનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જો કે મેચ બાદ આપેલા ઈન્ટરવ્યુમાં રિંકુ સિંહે પોતાની સિક્સરથી મીડિયા બોક્સના કાચ તોડવા બદલ માફી માંગી હતી, ત્યારપછી તેના ઈન્ટરવ્યુનો વીડિયો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.