મુંબઇ, મલેશિયાના ફાસ્ટ બોલર સિયાઝરુલ ઈદ્રુસે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં એક એવી કમાલ કરી છે કે જેની પ્રશંસા આઇસીસીએ પણ કરી છે. ટી-૨૦ વિશ્ર્વ કપ એશિયા બી ક્વોલીફાયરની પહેલી મેચમાં ચીન વિરુદ્ધની મેચ દરમિયાન મલેશિયાના ફાસ્ટ બોલર સિયાઝરુલ ઈદ્રુસે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી ઘાતક બોલિંગ કરીને માત્ર ૮ રન આપીને ૭ વિકેટ ઝડપી છે. ઈદ્રુસની આ સિદ્ધિથી ટી-૨૦ ઈન્ટરનેશનલમાં વિશ્ર્વ રેકોર્ડ બની ગયો છે.
ઈદ્રુસ હવે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્સ કરનાર બોલર બની ગયો છે. આ સાથે જ તેણે નાઈઝીરિયાના પીટર અહોનો રેકોર્ડ તોડ્યો છે. પીટર અહોએ ૨૦૨૧માં સિએરા લિયોન વિરુદ્ધ ૫ રન આપીને ૬ વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો.
મલેશિયા વિરુદ્ધની મેચમાં ચીનની આખી ટીમ માત્ર ૨૩ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ છે. બોલર સિયાઝરુલ ઈદ્રુસની કમાલની બોલિંગથી ચીનના બેટર ક્રીઝ પર ટકી શક્યા ન હતા. ચીનની આખી ટીમ ૧૧.૨ ઓવરમાં જ ૨૩ રન બનાવીને આઉટ થઈ ગઈ. આ ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ટીમનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો.૨૩ રન પર ચીનને આઉટ કર્યા બાદ મલેશિયાએ આ મેચ ૪.૫ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને જીતી લીધી. વિરનદીપ સિંહે માત્ર ૧૪ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૯ રન બનાવ્યા અને પોતાની મલેશિયાની ટીમને જીત અપાવી.