શાહરુખ ખાનને ૭૭મા લોકાર્નો ફિલ્મ-ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવશે. આ ફિલ્મ-ફેસ્ટિવલ સ્વિટ્ઝરલૅન્ડમાં થાય છે. સ્વિટ્ઝરલૅન્ડમાં શાહરુખ ખાન અને યશ ચોપડાની ફિલ્મો ખૂબ જ ફેમસ છે. આ ફેસ્ટિવલનો સૌથી સન્માનિત અવૉર્ડ ’કરીઅર લેપર્ડ’ એવી વ્યક્તિને આપવામાં આવે છે જે વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહી હોય. સાત ઑગસ્ટથી શરૂ થઈ રહેલો આ ફેસ્ટિવલ ૧૭ ઑગસ્ટે પૂરો થઈ રહ્યો છે. દસમી ઑગસ્ટે આ અવૉર્ડ તેને આપવામાં આવશે. ત્યાર બાદ અગિયારમી ઑગસ્ટે તેની ‘દેવદાસ’નું સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યાર બાદ શાહરુખ ખાન એક ફોરમમાં ભાગ લેશે અને ફિલ્મો વિશે ચર્ચા કરશે.
શ્રદ્ધા કપૂરને લખનઉમાં લોકોએ ઘેરી લીધી હતી. શ્રદ્ધા લખનઉમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે ગઈ હતી. ત્યાં તે ઘણા યુવાનોને મળી પણ હતી અને તેમને ભેટી પણ હતી. જોકે તેની હોટેલની બહારનો એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે. તે હોટેલની બહાર નીકળી તેની કારમાં બેસી રહી છે. જોકે તેની સાથે હાથ મિલાવવા અને એક ફોટો ક્લિક કરાવવા માટે લોકો તેને ઘેરી વળ્યા હતા. હોટલના ગાર્ડ્સ દ્વારા લોકોને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. આથી શ્રદ્ધાએ મારે જવું પડશે એમ કહીને ત્યાંથી નીકળી ગઈ હતી.
હૉરર-કૉમેડી ‘મુંજ્યા’ સો કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. સાત જૂને રિલીઝ થયેલી આ ફિલ્મમાં શર્વરી વાઘ, અભય વર્મા, મોના સિંહ અને સત્યરાજે કામ કર્યું છે. ચોથા વીકના ચોથા દિવસે એટલે કે સોમવારે ૫૭ લાખ રૂપિયાની સાથે ટોટલ ૧૦૦.૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ધારવા કરતાં ખૂબ જ સારી સફળતા મેળવી છે. આ વિશે વાત કરતાં શર્વરી કહે છે, ‘ઘણા મોટા સ્ટાર્સને સો કરોડની ક્લબમાં અને મોટી-મોટી હિટ આપતા મેં જોયા છે. ઘણાબધા લોકો થિયેટર્સમાં આવીને તમને પ્રેમ આપે છે વિચારીને જ મને ખુશી થઈ જાય છે.