
મહારાષ્ટ્રના પુણેમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. પુણેના પિંપરી-ચિંચવડ શહેરમાં આવેલા સ્વિમિંગ પુલમાં એકાએક ક્લોરિન ગેસ લીક થયો હતો. ક્લોરિન ગેસ લીક થવાને કારણે, સ્વિમિંગ પૂલમાં તરવા આવેલા લગભગ 20 લોકોની તબિયત લથડી હતી. આ સ્વિમિંગ પૂલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલતિ છે અને કાસારવાડી વિસ્તારમાં આવેલો છે. સ્વિમિંગ પૂલમાં અચાનક ક્લોરીન ગેસ લીકેજ થતાં સ્વિમીંગ પુલમાં તરવા આવેલા 20 થી 22 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. સ્વિમીંગ પૂલની આસપાસમાં પણ ક્લોરીન ગેસ ફેલાતા લોકોને, આંખમાં બળતરા, ઉધરસ અને ગળામાં દુખાવાની ફરિયાદ કરતા જોવા મળ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પિંપરી ચિંચવડના કાસરવાડી વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકર સ્વિમિંગ પૂલમાં 20 થી 22 લોકો સ્વિમિંગ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, સ્વિમિંગ પૂલ જાળવણી અને સુરક્ષા ગાર્ડ પણ ત્યાં હાજર હતા. ત્યાં અચાનક જ ક્લોરીન ગેસ લીક થવા લાગ્યો હતો. ક્લોરીન ગેસ લીક થવાને કારણે સ્વિમિંગ કરતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. કેટલાકની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા. જેમને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પિંપરી ચિંચવડના કાસરવાડી વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકર સ્વિમિંગ પૂલમાં કલોરિન ગેસ લીક થવાની માહિતી મળતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ પાલિકાના અધિકારીઓને ઘટના સ્થળે પહોચી ગયા હતા. ગેસ ગળતરને કારણે જેમના સ્વાસ્થને તકલીફ થઈ હતી તેવા લોકોને સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ YCM હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જો કે છેલ્લે મળતા અહેવાલ અનુસાર, 10 વર્ષની એક પીડિત છોકરીને ICUમાં દાખલ કરવામાં આવી છે. સ્વિમિંગ પૂલ નજીક આવતા-જતા લોકોને અટકાવી દેવામાં આવ્યા હતા. ગેસ લીક કેસના મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાની માહિતી મળતા જ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શેખર સિંહ વાયસીએમ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પીડિતોને મળીને તેમના સ્વાસ્થયની પુછપરછ કરીને ક્લોરિન ગેસ લીંક અંગેની પ્રાથમિક માહિતી મેળવી હતી. હાલમાં અસરગ્રસ્તોની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સ્વિમિંગ પુલમાં ફિલ્ટર પ્લાન્ટ ક્લોરિન પ્લાન્ટ નજીક નજીકમાં છે. ક્લોરિનનો ઉપયોગ સ્વિમિંગ પૂલના પાણીને જંતુમુક્ત કરવા માટે થાય છે. જો કે પિંપરી-ચિંચવડના સ્વિમિંગ પુલ ક્લોરિન ગેસ લીક કેવી રીતે થયો તે મનપાની તપાસ બાદ જાણી શકાશે.