સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપમાં વિભવ કુમાર જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારે હાઈકોર્ટમાંથી રાહત ન મળતા હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં દિલ્હી હાઈકોર્ટે વિભવ કુમારને જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સાથી વિભવ કુમારે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વિભવ કુમાર પર આપ સાંસદ સ્વાતિ માલીવાલે ૧૩ મેના રોજ સીએમ આવાસ પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ ૧૬ મેના રોજ આ મામલે એફઆઇઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ ૧૮ મેના રોજ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.

૧૨ જુલાઈએ વિભવની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. જામીન નામંજૂર કરવાનાં કારણો આપતાં જસ્ટિસ અનૂપ કુમાર મેંદિરત્તાની ખંડપીઠે કહ્યું કે જામીન આપવાથી સાક્ષીઓ અને પુરાવાઓ પ્રભાવિત થઈ શકે છે. વિભવ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. તીસ હજારી કોર્ટ આ કેસની સુનાવણી ૩૦ જુલાઈએ કરશે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ચાર્જશીટ કુલ ૫૦૦ પેજની છે, જેમાંથી ૩૦૦ મુખ્ય પેજ છે. પોલીસ ચાર્જશીટમાં માત્ર વિભવ કુમારને જ આરોપી બનાવવામાં આવ્યો છે.

આ કેસ ૧૩ મેના રોજ શરૂ થયો હતો, જેમાં સ્વાતિએ કુમાર પર તેની સાથે મારપીટ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. તેણીએ જણાવ્યું કે ૧૩મી મેની સવારે તે અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમના ઘરે ગઈ હતી, ત્યારબાદ તેને રાહ જોવા માટે સીએમ હાઉસની લોબીમાં બેસાડવામાં આવી હતી. તેણીએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે રાહ જોઈ રહી હતી ત્યારે કેજરીવાલના અંગત સચિવ તેની પાસે આવ્યા અને તેની સાથે મારપીટ કરવા લાગ્યા, એટલું જ નહીં તેણે આરોપ લગાવ્યો કે કુમારે તેની સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. સ્વાતિના આ આરોપો પછી, કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

સ્વાતિના આરોપો બાદ કુમારે પણ સ્વાતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે સ્વાતિએ સીએમ હાઉસમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો, વધુમાં તેણે કહ્યું કે જ્યારે સ્વાતિને આ રીતે ઘરમાં પ્રવેશવાની ના પાડવામાં આવી અને તેને લોબીમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું તો તેણે ધક્કો મારવાનું શરૂ કર્યું.