
ભારતના 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના ઘણા નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનો સમાવેશ થાય છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને ટ્વિટ કરીને કહ્યું- ભારતના લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.

ગયા મહિને પીએમ મોદી અને મેં 2047 સુધીમાં બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. ફ્રાન્સ હંમેશા ભારતનો વિશ્વાસપાત્ર મિત્ર અને ભાગીદાર રહેશે. આ સિવાય સિડનીમાં આયોજિત મલબાર એક્સરસાઇઝ વચ્ચે INS સહ્યાદ્રી અને INS કોલકાતા પર પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કવાયતમાં ક્વાડ દેશો અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નેવીએ ભાગ લીધો છે.

પુતિને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ અભિનંદન સંદેશ મોકલ્યો હતો. તેમણે કહ્યું- આ ખાસ દિવસે ભારતને ખાસ શુભેચ્છાઓ. ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી અમારા માટે ખૂબ જ ખાસ છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતને અભિનંદન આપતા કહ્યું- ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધ છે.
અમે સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ ખાસ અવસર પર, અમે ભારતીયો સાથે મળીને તેમના ગૌરવવંતા ઈતિહાસની ઉજવણી કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે એક અભિનંદન સંદેશમાં કહ્યું- ભારતની આઝાદીના દિવસે તત્કાલિન પીએમ જવાહરલાલ નેહરુએ દેશવાસીઓને વિકાસ માટે સખત મહેનત કરવાનો સંદેશ આપ્યો હતો. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું સપનું છે.
આ ઉપરાંત નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ, ભૂટાનના વડાપ્રધાન લોતય શેરિંગ, ઈરાન અને શ્રીલંકાના વિદેશ મંત્રીએ પણ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ વિશ્વભરના ભારતીય દૂતાવાસોમાં પણ આઝાદીની ઉજવણી કરવામાં આવી હતી. અટારી વાઘા બોર્ડર પર BSFએ પણ તિરંગો ફરકાવ્યો હતો.