સ્વતંત્ર ગીતોનો ’યુફોરિયા’પાછો આવ્યો: ગાયક પલાશ સેન

’માએરી’ જેવા ગીતોથી જાણીતા બૅન્ડ ’યુફોરિયા’ના ગાયક પલાશ સેન કહે છે કે હવે ફરીથી સ્વતંત્ર ગીતોનો સમય આવી રહ્યો છે પરંતુ ઘણા યુવા સંગીતકારો સત્તા સામે સાચું બોલતાં ડરે છે. તેમણે થોડાં દિવસો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,’બિલકુલ, ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક હવે ફરી સારા તબક્કામાં આવ્યું છે. લોકોએ હવે તેના વિશે વાત કરવાની શરૂ કરી દીધી છે.

પલાશ સેન સંગીત ઉદ્યોગમાં કે સમાજમાં રાજકારણ ચાલતું હોવાનું સ્વીકારે છે. પરંતુ આ અંગે યુવા કલાકારો ચિંતિત છે કે નહીં, તે વિશે પલાશ સેન કહે છે,’હા છે જ, પણ તેઓ બોલી શક્તા નથી. લોકો ડરે છે. કોઈ શક્તિશાળી વ્યક્તિ આવશે અને તમને કહી દેશે, તું બહુ વધારે બોલે છે, તને કામ નહીં આપું.’

પલાશ સેનને લાગે છે કે ભારત કરતા અમેરિકાનો સંગીત ઉદ્યોગ વધુ સારી રીતે કામ કરે છે. ’અમેરિકામાં ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અલગ અલગ છે. જો તમારે કંઈક કરવું હોય તો તમારી ઇન્ડસ્ટ્રીમાં રહીને કરો ને. જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમારું સંગીત જોઈએ છે, તો તે લોકો તમારી પાસેથી ખરીદી લેશે. એ તમને કોઈ મજુર નહીં બનાવી દે કે બેસીને આ મુજબ બનાવી આપો.’

પલાશ સેન તેમનાં બે જાણીતા આલબમ ’ધૂમ’ અને ’માએરી’ને ફરી લાવી રહ્યા છે. આ આલ્બમનાં ગીતો માટે તેમણે અલગ અલગ નવા સંગીતકારો સાથે કોલબરેશન કર્યું છે. ’આ આલબમમાં કેટલાંક નવા સંગીતકારો દેખાશે. અમે એવા અમુક કલાકારોને યુફોરિયાના વારસાને આગળ વધારવા માટે અમારી સાથે લઈ રહ્યા છીએ. મેં ક્યારેય મારી જાતને ફિલ્મ અન્ડસ્ટ્રીને વેચી નથી. મેં અને યુફોરિયાએ શું કર્યું છે તે આજના યુવાનો એક ટકો પણ સમજી શકે તો હું તેને મારી સફળતા માનીશ. આ વારસાને જાળવી રાખવા માટે હું સૌથી સારું આ જ કરી શકું તેમ છું.’ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મજૂર તરીકે રહેવાના બદલે કલાકારે પોતાની પસંદગી મુજબના કામ કરવા જોઈએ.