સ્વસ્થ માનવજીવન અને શુદ્ધ પર્યાવરણ માટે પ્રાકૃતિક ખેતી અને યજ્ઞ જ ઉપાય

  • મહિસાગરના સંતરામપુર ખાતે 108 કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા
  • વિધી પુર્વક થતા યજ્ઞ અને એકત્રિત સમાજ રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી.
    લુણાવાડા,
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા 108 કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કાર તથા વિરાટ કિસાન સંમેલન કાર્યક્રમ આઝાદ મેદાન સંતરામપુર, મહિસાગર ખાતે યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કરી જણાવ્યું હતું કે, વેદ મનુષ્યની નહીં ઈશ્ર્વરની રચના છે, ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ જ્ઞાનનો ભંડાર છે. ગાયત્રી મહામંત્ર આપણા વેદોનો સાર છે તથા મનુષ્ય જીવનને સાર્થક બનાવવા બુદ્ધિ સકારાત્મક હોવી જરૂરી છે.
    વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, યજ્ઞથી શ્રેષ્ઠ બીજું કોઈ કાર્ય નથી, યજ્ઞ કરતી વખતે ઘી,અગ્નિ,જળ,હવન કુંડ વગેરે સામગ્રી જોઈએ આમાંથી જો કોઈ એક વસ્તુ ના હોઈ તો યજ્ઞ શક્ય નથી. યજ્ઞ દરેક વસ્તુના સંગઠીકરણથી થાય છે, તેવી જ રીતે મનુષ્ય, પરિવાર, કે સમાજને સફળ થવા કે રાષ્ટ્રને ઉન્નતિ તરફ લઈ જવા માટે એકત્રિત થવું પડશે. રાજ્યપાલએ યજ્ઞનું મહત્વ જણાવતા કહ્યું કે, પર્યાવરણ સુદ્ધિનું કામ માત્ર યજ્ઞ દ્વારા થઈ શકે.
    રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા જણાવે છે કે, હું પણ ખેડૂત છું, હું હળ ચલાવું છું, પહેલા હું રાસાયણિક ખેતી કરતો જેમાં હું યુરિયા,ડીએપી,કિટનાશક વગેરે ઉપયોગમાં લેતો, જે ઝેરયુક્ત રાસાયણિક ખાતર નાખવાથી સાપ પણ મૃત્યું પામે એ અનાજ મારી પાસે ભણતા બાળકો ખાઈ તો શું થાય? તેવો વિચાર આવતા મેં પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું.
    દરેક લોકોએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. દેશી ગાયનું ગોબર અને ગૌ મૂત્ર ખેતી માટે મહત્વનું છે. પ્રકૃતિ જો જંગલને બધું આપે તો તે નિયમ ખેતરને પણ લાગું પડે એટલે પ્રાકૃતિક ખેતી તરફ જ વળવું જોઈએ. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધશે અને તાપમાન વધવાથી બર્ફીલો પહાડ ઓગળવા લાગશે જેનાથી ભારતના અનેક શહેરો ડૂબશે, જો આ ન થવા દેવું હોય અને પર્યાવરણને બચાવવું હોઈ તો પ્રાકૃતિક ખેતી કરવી પડશે.
    વધુમાં રાજ્યપાલએ જણાવ્યું કે, આજે અઢી લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.ડાંગ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે.પહેલાના સમયમાં ડાયાબિટીસ,કેન્સર,હાર્ટ અટેક જેવી બીમારીઓ ન હતી જે આજે રાસાયણિક ખેતીની દેન છે, આમ પર્યાવરણના રક્ષણ અને મનુષ્યના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ખૂબ અગત્યની છે.
    આ કાર્યક્મમાં કલેકટર મહિસાગર, જિલ્લા વિકાસ અધિકારી મહિસાગર તથા અન્ય અધિકારીઓ, સાધુ સંતો અને બહોળી સંખ્યામાં મહિસાગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.