સ્વર્ગીય માતાની યાદમાં પુત્રીઓએ બનાવી છ ફૂટની પ્રતિમા, રોજ સવાર-સાંજ ચા-નાસ્તો, ભોજન અને આરતી

જૂનાગઢ, જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં માતૃપ્રેમની એક અનોખી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, માંગનાથ વિસ્તારમાં રહેતી ત્રણ પુત્રીઓની માતાનું અવસાન થતા પુત્રીઓ દ્વારા માતા હજુ હયાત જ છે તેવી પ્રતિતી થાય તે માટે માતાનું સ્ટેચ્યુ બનાવી અનોખી માતૃવંદના કરવામાં આવે છે. જ્યારે તેમના માતા જીવતા હતા ત્યારે જે પ્રકારે સેવાચાકરી કરવામાં આવતી હતી તેવી જ હાલમાં સેવા કરવામાં આવી રહી છે. માતાના અવસાન બાદ તેમનું મોટું સ્ટેચ્યુ બનાવી જૂનાગઢની ત્રણેય પુત્રીઓએ તેમની માતા પ્રત્યેનો અનોખો ભાવ વ્યક્ત કર્યાં છે.

જૂનાગઢની ત્રણ પુત્રીઓએ તેમની માતાના અવસાન બાદ એન સરાહનિય કામ કર્યું છે. દીકરીઓએ માતાના મૃત્યુ બાદ તેમનું સ્ટેચ્યુ બનાવી હજુ તેમના માતા હયાત જ છે તેવી પ્રતિતી ઊભી કરી છે. જેમાં માતા હયાત છે તેવું માની માતાની અગાઉ જેવી જ સેવા-પૂજા, થાળ, તેમના કપડા બદલાવવા, સ્નાન કરાવવું સહિતની પ્રવૃતિ કરી રહી છે. ત્રણેય પુત્રીઓએ માતાને ગમતી તમામ સેવાકિય પ્રવૃતિઓ કરવા માટે પુત્રીઓને થાય છે. આ સાથે ટ્રસ્ટ બનાવી અનેક પ્રકારની સેવાકિય કામગીરી શરૂ કરી છે.

જૂનાગઢના માંગનાથ વિસ્તારના સ્વ.હિરાબેનની પુત્રીઓ જેમાં કલ્પનાબેન, શિતલબેન અને જીયાબેન નામની ત્રણેય દિકરીઓ તેમની માતાને દરરોજ સવારમાં ઉઠીને પગે લાગે છે. આ સાથે બહારથી આવી તુરંત જ તેમને પગે લાગે છે, બહાર જાય ત્યારે તેમને કહીને જાય છે. આ સાથે દીકરીઓ સવાર હિરાબેનની પ્રતિમાને ચા અને નાસ્તો આપે છે. બપોરે અને સાંજે ભોજનનો થાળ ધરે છે, તેમને સ્નાન કરાવી કપડા પણ બદલાવે છે. વિગતો મુજબ હિરાબેનના પતિ એસટીમાં નોકરી કરતા હતા.