
જામનગર : સમગ્ર દેશની માફક જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧૭ ઓક્ટોબરથી તા.૧૬ ડીસેમ્બર સુધી યોજાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રજાઓમાં સામુહિક ઝુંબેશ અને અન્ય દિવસોમાં દિવસ-રાતની નિયમિત સફાઈ થકી જામનગર શહેરમાંથી ૬૩૭૭ ટન કચરો દુર કર્યો છે. આ ઝુંબેશમાં માંડવી ટાવર પાછળનો ૬૦ વર્ષ જુનો ઉકરડો નાબુદ થતાં વેપારીઓ રાજી થયા છે.તો સુભાષ શાક માર્કેટના દરવાજે ગંદકી યથાવત રહી છે. જે અંગે બકાલીઓ જણાવે છે કે, તંત્રનો વાંક ૧ ટકો અને ૯૯ ટકા આસપાસના લોકોનો વાંક ગણાય. રોજ સફાઈ છતાં લોકો કચરા પેટી૮ બહાર કચરો નાંખે છે.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ દ્રારા વિભાગ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વધુ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ. ઝુંબેશમાં પ્રજાજનોને જોડવાનો આરંભ દિગ્વિજય પ્લોટ શેરી નં.૫૮થી કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ શેરી નાટક પણ ભજવ્યું હતું. જે બાદના રવિવારે એસટી ડેપો, ડીકેવી સર્કલ, શાક માર્કેટ, રણમલ તળાવ, શહેરના પ્રવેશ દ્વાર એવા સમર્પણ સર્કલથી ઓવર બ્રીજ, ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ ગામતળ સુધી સમુહ સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં લોક ભાગીદારી, સંસ્થાઓની ભાગીદારી પણ કરવામાં આવી હતી.
ગત તા.૨૫ નવેમ્બરના રોજ ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓ-કોર્પોરેટરો, મ્યુ. કમિશનર, ડેપ્યુટી કમિશનર,સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારીઓ તેમજ ૧૫૦ એનસીસી કેડેટસ, ૨૦૬ સફાઈ કામદારો, ૬૪૨ નાગરિકો, ૨૫૬ કર્મચારીઓએ રણમલતળાવમાં સફાઈ કરીને ૬૫.૭૧ ટન, બાદમાં તા.૨૬ના રોજ રાજકોટ રોડ પર ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ ગામ તળ સુધીમાં ૫૭ ટન તેમજ તા.૨૭ના રોજ સમર્પણ સર્કલથી ખંભાળીયા બાયપાસ સુધીમાં ૬૧.૮૬ ટન કચરો સાધનો અને હાથ વડે દુર કરીને સ્વચ્છતાના સંદેશનું નિર્માણ કર્યું હતું.
આ ઝુંબેશમાં પ્રથમ વખત માંડવી ટાવર પાછળનો ૬૦ વર્ષ જુનો ઉકરડો દુર થયો છે. તેથી આસપાસના વેપારીઓ રાજી થયા છે. હવે સ્થિતિ ન ખરાબ થાય તેવી તેઓની લાગણી છે. તો શાક માર્કેટ બહારની ખદબદતી ગંદકી માટે આસપાસના અન્ય વેપારીઓ જ જવાબદાર હોવાનું ગંદકીને કારણે રોડ પર આવીને ધંધો કરતા વેપારીઓ જણાવે છે. આમ સ્વચ્છતાં હી સેવા થકી ક્યાંક સારા પરિણામો મલ્યા છે.તો ક્યાંક લોક સહકાર વગર સ્થિતિ સુધારે તે શક્ય જ નથી જણાતું.