તામિલનાડુના પુર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલીતાની માલિકીનું મનાતું 27 કિલો સોનુ રાજય સરકારને પરત આપી દેવામાં આવશે. બેંગ્લોરની એક અદાલતે આ સોનુ સરકારની તિજોરીમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો. કોર્ટે જયલલીતાના ભ્રષ્ટાચારના આરોપોમાં તેમને તથા તેમના સાથી શશીકલાને ચાર વર્ષની જેલ સજા તથા રૂા. 100 કરોડ નો દંડ ફટકાર્યો હતો અને બંનેને અલગ અલગ રીતે રૂા. 10-10 કરોડના ત્રણ દંડ ફટકાર્યા હતા.
આ ઉપરાંત જયલલીતા પાસે આવકના સ્તોત્ર કરતા વધારાની સંપતિના ભાગરૂપે જે 27 કિલો સોનુ જપ્ત કરાયું હતું તેમાંથી 20 કિલો સોનુ વેંચીને દંડ સહિતની રકમ વસુલવા જણાવાયું હતું જયારે 7 કિલો સોનુ એ તેમની વારસાગત મિલ્કત હોવાથી તે પરત આપવા જણાવાયું હતું. જોકે આ કાર્યવાહી બાદ જયલલીતાનું નિધન થયું હતું.
કર્ણાટક હાઇકોર્ટે તેમના ચુકાદામાં જયલલીતાને નિર્દોષ જાહેર કર્યા હતા અને સુપ્રિમ કોર્ટે જયલલીતાનું નિધન થયું હોવાથી તેની સામેના આરોપો પણ પડતા મુકયા હતા અને શશીકલા અને અન્ય ત્રણ લોકો સામેની કાર્યવાહી યથાવત રહી હતી. હવે 27 કિલો સોનુ જયલલીતા પાસેથી મળ્યું હતું તે તમામ તામિલનાડુ સરકારની તિજોરીમાં જમા કરાવી દેવા અદાલતે આદેશ આપ્યો છે.