
કર્ણાટકમાં નવી સરકારના ગઠન બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટે પાયે ફેરફાર થવાની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલી શકે છે. આવા સમયે કોંગ્રેસના નવી પેઢીના નેતાઓમાં એક ચહેરો એવો છે, જે પોતાની ઉપસ્થિતિ અને પ્રાસંગિક્તા નોંધાવવા માટે સતત પ્રયાસરત હોય એમ લાગી રહ્યું છે. આ વ્યક્તિ એટલે ફૈઝલ પટેલ.
ફૈઝલ પટેલ કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહમદ પટેલના દીકરા છે. આગામી લોક્સભાની ચૂંટણી પહેલા ફૈઝલ પટેલે સી.આર.પાટીલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. સી.આર.પાટીલ સાથેની મુલાકાતના ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી.
આ પહેલા પણ કોંગ્રેસના દિવગંત નેતાના પુત્રએ પણ ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને ખળભળાટ મચાવ્યો હતો. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્તિ કરી હતી. તેઓએ ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યું હતું કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી.
ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્ર્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૪) લોક્સભા સાંસદ અને પાંચ વખત (૧૯૯૩, ૧૯૯૯, ૨૦૦૫, ૨૦૧૧, ૨૦૧૭ વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલે પહેલી વખત ૧૯૭૭માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ ૬૨,૮૭૯ મતથી જીત્યા. ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષ હતી. આ સિવાય ૧૯૭૭થી ૧૯૮૨ સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર ૧૯૮૩થી ડિસેમ્બર ૧૯૮૪ સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. ૧૯૮૫માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં. સપ્ટેમ્બર ૧૯૮૫થી જાન્યુઆરી ૧૯૮૬ સુધી અહેમદ પટેલ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી રહ્યા.
કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુ કરનારા અહેમદ પટેલ જાન્યુઆરી ૧૯૮૬માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓક્ટોબર ૧૯૮૮ સુધી રહ્યાં. ૧૯૯૧માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા. ૧૯૯૬માં અહેમદ પટેલ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે ૨૦૦૦માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.