
પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતાં ખળભળાટ મચી ગયો છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશનાં વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે.
યુવક અને તેનાં પરિવારજનોએ આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનીલ સથવારા તેનાં પરિવારજનો સાથે પાટણ એસ.પી. કચેરી પહોંચ્યા હતા.
યુવકે ગૃહ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે. તેણે માગ કરી છે કે આ પ્રકારની ઓળખ ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને. આ કેસ દર્શાવે છે કે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરરીતિ આચરી શકે છે.
આ અંગે ભોગ બનનારા યુવકે જણાવ્યું હતું કે મારા ગામડે ટપાલ દ્વારા બેંગલુરુથી નોટિસ આવી છે. મેં નોટિસ ખોલી તો એ ઇન્કમટેક્સ વિભાગની હતી. એમાં 1 કરોડ 96 લાખનો મારે ટેક્સ ભરવાનો હોવાનું જણાવાયું છે. મારા નામની વિવિધ જગ્યાએ 11 પેઢી ચાલુ કરવામાં આવી છે. અમે વકીલની સલાહ લઇને સાયબર વિભાગમાં ફરિયાદ કરી છે.
આ અંગે ભોગ બનનારા યુવકના સગાએ જણાવ્યું હતું કે સુનીલ મારો ભત્રીજો થાય છે, જે અમદાવાદમાં સુથારીકામ કરીને જીવન જીવે છે. અમે નાના માણસો છીએ. આટલા રૂપિયા અમે જોયા પણ નથી, અમે તો મજૂરીકામ કરીને જીવીએ છીએ. એના કાગળોનો દુરુપયોગ કરીને કોઇએ આ ફ્રોડ કર્યું છે. અમે વકીલની સલાહ લઇને ગૃહ વિભાગ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે, જ્યાંથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે.