નવીદિલ્હી,પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમને દિલ્હી બીજેપી લીગલ સેલના સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે. બાંસુરી વ્યવસાયે વકીલ છે. હાલમાં તે પ્રાઈવેટ પ્રેક્ટિસની સાથે હરિયાણા માટે એડિશનલ એડવોકેટ જનરલ તરીકે કામ કરી રહી છે.
આ જવાબદારી મળવા પર તેમણે કહ્યું કે મને પાર્ટીની સેવા કરવાની તક મળી છે. મને આ જવાબદારી આપવા બદલ હું પાર્ટી હાઈકમાન્ડનો આભાર માનું છું. અને લોકો વચ્ચે સક્રિય રીતે કામ કરવાની તક આપી છે. ચૂંટણી લડવાના સવાલ પર તેમણે કહ્યું કે હું હવે આ પદ પર કામ કરવા માંગુ છું અને હું આગામી ચૂંટણીઓ વિશે વિચારવા માંગતી નથી.
બાંસુરી ૨૦૦૭માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં જોડાયા હતા. તેમને લીગલ વ્યવસાયમાં ૧૬ વર્ષનો અનુભવ છે. યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી અંગ્રેજી લિટરેચરમાં સ્નાતક થયા અને પછી બીપીપી લો સ્કૂલ, લંડનમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સેન્ટ કેથરીન્સ કોલેજમાંથી માસ્ટર ઓફ સ્ટડીઝ કર્યું છે.
તેમણે વ્યાવસાયિક કારકિર્દીમાં, બાંસુરી સ્વરાજે ઘણા ઉચ્ચ-પ્રોફાઇલ ક્લાઈન્ટના કેસ લડ્યા છે. તેણે રિયલ એસ્ટેટ, ટેક્સ, કોન્ટ્રાક્ટ અને બીજા ઘણા બધા વિવાદોના અને ક્રિમિનલ ટ્રાયલ કેસ પણ લડ્યા છે. બાંસુરીની પ્રાઈવેટ પ્રેક્ટિસ દરમિયાન તેમને હરિયાણા માટે એડિશનલ એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સુષમા સ્વરાજ દુનિયાના સૌથી ચર્ચિત દેશના સૌથી લોકપ્રિય મહિલા નેતા રહ્યા. ૬ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ હાર્ટએટેક આવતા નિધન થયું હતું. સુષમાએ વિદેશ મંત્રાલયના કામકાજમાં માનવીય સંવેદનાને પ્રાથમિક્તા આપી હતી. વિદેશમાં વસેલા ભારતીય જો કોઈ મુશ્કેલીમાં ફસાયા હોય તે તેઓ તરત જ સુષમાને યાદ કરતા હતા. જુન ૨૦૧૭માં સુષમાએ ટ્વીટ કર્યું હતું કે જો તમે મંગળ ગ્રહ પર પણ ફસાઈ ગયા હોવ તે ત્યાં પણ ભારતીય દૂતાવાસ મદદ કરશે.