મુંબઈ,
સુશાંત સિંહ રાજપૂતના મોતના અઢી વર્ષ બાદ પણ આ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થતાં રહે છે. કૂપર હોસ્પિટલમાં સુશાંતના પોસ્ટમોર્ટમ સમયે હાજર રહેલા ઓટોપ્સી સ્ટાફમાં સામેલ રૂપકુમાર શાહે તાજેતરમાં દાવો કર્યો હતો કે સુશાંતે આત્મહત્યા નહોતી કરી, પરંતુ તેનું મર્ડર થયું હતું. આ દરમિયાન ભાજપ નેતા નિતેષ રાણેએ સુશાંતના મોત સમયનો એક અનસીન વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં રૂપકુમાર શાહ સ્વ. સુશાંતના પાર્થિવ દેહને લઈ જતા જોવા મળે છે. નિતેશે આ સાથે જ પુષ્ટિ કરી હતી કે રૂપકુમાર એક્ટરના પોસ્ટમોર્ટમ સમયે હાજર હતો.
નિતેશ રાણેએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ’હવે આ ક્લિયર થઈ ગયું કે રૂપકુમાર શાહ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પાથવ દેહને લઈ ગયા હતા. તે પોસ્ટમોર્ટમ દરમિયાન ત્યાં હાજર હતા. અંતે સત્ય બહાર આવી રહ્યું છે. હવે બેબી પેંગ્વીન દૂર નથી. ન્યાય થશે.’
રૂપકુમાર શાહે ૨૬ ડિસેમ્બર, સોમવારે પહેલી જ વાર મીડિયા સમક્ષ આવીને કહ્યું હતું, ’સુશાંતે આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેનું મર્ડર થયું હતું. તેના અવસાન સમયે કૂપર હોસ્પિટલમાં પાંચ ડેડબૉડી આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે પાંચમાંથી એક બૉડી વીઆઇપી છે. પોસ્ટમોર્ટમ કરવા ગયા ત્યારે ખબર પડી કે આ બૉડી સુશાંત સિંહ રાજપૂતની છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું, ’અમે જોયું કે સુશાંતના શરીર પર ઈજાનાં ઘણાં નિશાન હતાં. ગરદન પર પણ બે-ત્રણ ઈજાનાં નિશાન હતાં. પોસ્ટમોર્ટમનું રેકોર્ડિંગ થવું જોઈતું હતું, પરંતુ સિનિયર્સને માત્ર ફોટો લેવાની જ પરવાનગી મળી હતી, આથી અમે તેમના આદેશનું પાલન કર્યું હતું.’રૂપકુમારે આગળ જણાવ્યું હતું, ’જ્યારે મેં પહેલી જ વાર સુશાંતની બૉડી જોઈ તો મેં તરત જ સિનિયર્સને કહ્યું હતું કે આ સુસાઇડ નથી, પણ મર્ડર છે. મેં તેમને એમ પણ કહ્યું હતું કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ સિનિયર્સ આ અંગે પછી વાત કરવાનું કહ્યું હતું. મને બૉડીનાં પિક્ચર્સ ક્લિક કરીને બૉડી પોલીસને આપવાની વાત કરી હતી, આથી પોસ્ટમોર્ટમ રાત્રે જ કરી દીધું હતું.’’પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું લખવું, એ ડૉક્ટરનું કામ છે, પરંતુ સુશાંતને ન્યાય મળવો જોઈએ. સુશાંતની તસવીર જોઈને કોઈપણ કહી શકે કે તેની હત્યા થઈ હતી. જો મને તપાસ એજન્સી ફોન કરશે તોપણ હું આ જ વાત કહીશ’, એમ તેમણે કહ્યું હતું.
રિપોર્ટ્સ પ્રમાણે, રૂપકુમારે કહ્યું હતું, ’સુશાંતની બૉડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તે ટીમનો હું હિસ્સો હતો. મેં જોયું હતું કે તેને ઘણી જ ઈજાઓ થઈ હતી. તેનાં ઘણાં હાડકાં તૂટેલાં હતાં. એ સમયે મને ઉદ્ધવ સરકાર પર ભરોસો નહોતો અને તેથી જ હું મીડિયા સામે આવ્યો નહોતો. હવે સરકાર બદલાઈ તો મેં વિચાર્યું કે મારે સાચું બોલવું જોઈએ. મને મારા જીવની પરવા નથી, પરંતુ સુશાંતને ન્યાય મળવો જોઈએ.’ સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં મૃત મળ્યો હતો. પહેલી નજરમાં આ સુસાઇડ લાગતું હતું, જોકે પછી આ કેસની તપાસ સીબીઆઇને આપવામાં આવી હતી. આ કેસની હજી તપાસ ચાલુ છે.