સૂર્યપુત્રી તાપીને પરંપરાગત ૧૧૦૦ મીટરની ચૂંદડી ચઢાવી; નદીકાંઠે બહોળી સંખ્યામાં લોકો ઊમટ્યા

તાપી , સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ સુરત શહેરમાં દર વર્ષે ખૂબ જ આસ્થાથી ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ તાપી નદીના ઓવારા ઉપર જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. તાપી નદીને ખૂબ જ પવિત્ર નદી માનવામાં આવે છે. માતા તાપી સૂર્યપુત્રી હોવાને કારણે શાસ્ત્રોમાં જોવા મળે છે કે, જે પણ વ્યક્તિ ભગવાન સૂર્યનારાયણની તપસ્યા તાપી નદીના કિનારે કરે તેને જરૂર ફળ મળે છે. આજે સુરતીઓએ રંગેચંગે તાપીનો જન્મદિવસ મનાવ્યો હતો. જેમાં શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીને પરંપરા ગત ૧૧૦૦ મીટરની ચૂંદડી ચઢાવવામાં આવી હતી. આ ઉજવણીમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

તાપી નદીનું હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ આલેખાયું છે. તાપી નદીના સ્મરણ માત્રથી લોકોનાં પાપ નષ્ટ થાય છે, તેઓ ઉલ્લેખ શાોમાં પણ જોવા મળે છે. તાપી પુરાણ તેમજ અન્ય ગ્રંથોમાં તાપી નદીના જન્મને લઈને વિગતો પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યની પુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ સુરતીલાલાઓ ઊજવતા હોય છે. તાપી નદીના અવતરણ દિવસે સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં તાપી નદીના કાંઠે લોકો એકત્રિત થતા હોય છે અને માતાને ચૂંદડી ઓઢાડીને પોતાની આસ્થા વ્યક્ત કરતા હોય છે. આ વર્ષે ભક્તો દ્વારા તાપી નદીને ૧૧૦૦ મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.

આજના દિવસે સુરત શહેરના અલગ અલગ ઓવારા ઉપર પણ તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને નાવડી ઓવારે તેમજ શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા પણ છેલ્લા કેટલાક સમયથી આયોજન કરવામાં આવી રહ્યું છે. સવારે અને સંયા સમયે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે. તાપી માતાને ૧૧૦૦ મીટરની ચુૂંદડી અર્પણ કરવાના કાર્યક્રમમાં રાજ્ય કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને સાધુ-સંતો હાજર રહ્યાં હતાં.

તાપી નદીનો ઉદગમ મધ્યપ્રદેશના મુલતાઈ જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળામાંથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ અંદાજે ૭૨૪ કિમીની છે. સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને એના માટે સુરતને સૂર્યપુર કહેવાય છે અને તાપી નદી સુરતની જીવાદોરી સમાન છે. તાપી નદીના જન્મદિવસે તાપી નદી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણવી જરૂરી છે. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્ર્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે, જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઊજવે છે.

તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્ર્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે, જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઊજવે છે. સુરતની જીવાદોરી જેને કહેવાય છે એ તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીનાં મંદિરો પણ આવેલાં છે.