સૂર્યકુમાર યાદવ ટી ૨૦માં સૌથી ઝડપી ૧૦૦ સિક્સર ફટકારનાર ભારતીય બન્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અત્યારસુધી ઠીકઠાક જ રહ્યો છે. તેના બેટમાંથી કોઈ મોટી ઇનિંગ નીકળી ન હતી એવામાં તેની બેટિંગને લઈ સવાલ ઊભા થઈ રહ્યા હતા જેનો જવાબ ત્રીજી T20માં સૂર્યકુમાર યાદવે દમદાર બેટિંગ કરી આપ્યો હતો.

સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં 44 બોલમાં 83 રન ફટકાર્યા હતા અને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. સૂર્યકુમારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 14મી અડધી સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યાએ 10 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા, સાથે જ ચાર દમદાર સિક્સર પણ મારી હતી. આ ચાર સિક્સર સાથે જ સૂર્યકુમાર યાદવે T20 ઈન્ટરનેશનલમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.

સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર સિક્સર ફટકારવાની સાથે જ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 100 સિક્સર પુરી કરી હતી. તે આ કમાલ કરનાર વિશ્વનો 14મો ખેલાડી બન્યો હતો. તે રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ 100 T20 સિક્સર ફટકાર ત્રીજો ભારતીય ખેલાડી પણ બન્યો છે.

સૂર્યકુમાર યાદવ હવે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સર પૂરી કરનાર ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. સૂર્યાએ પોતાની 50મી 100 સિક્સર ફટકરી આ સ્થાન હાંસલ કર્યું હતું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 92મી મેચમાં જ્યારે વિરાટ કોહલીએ 104મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

T20 ક્રિકેટમાં ભારતના સૌથી અસરદાર બેસ્ટમેન સાબિત થનાર સૂર્યકુમાર યાદવ સૌથી ઝડપી 100 સિક્સર ફટકારવા મામલે બીજા ક્રમે છે. સૂર્યકુમાર યાદવે 51મી T20 ઈન્ટરનેશનલ મેચમાં 100 સિક્સર પુરી કરી હતી. સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારવા મામલે વેસ્ટ ઈન્ડિઝનો એવિન લુઈસ ટોપ પર છે.