સૂર્યકુમાર યાદવ ટી-૨૦નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા

મુંબઇ,

ભારતના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવને આઈસીસીએ ૨૦૨૨નો સર્વશ્રેષ્ઠ ટી-૨૦ ક્રિકેટર જાહેર કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની તાહિલા મેક્ગ્રાને ૨૦૨૨ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ મળ્યો છે. ૨૦૨૨માં સૂર્યકુમારે ૩૧ ટી-૨૦ મેચમાં ૪૬.૫૬ની સરેરાશથી ૧૮૭.૪૩ના સ્ટ્રાઈક રેટ સાથે ૧૧૬૪ રન કર્યા હતા.

જ્યારે એક વર્ષમાં ટી-૨૦માં એક હજારથી વધુ રન ફટકારનાર તે ફક્ત બીજો બેટ્સમેન છે. આ વર્ષે તેણે કુલ ૬૮ છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. ગત વર્ષે તેણે બે સદી અને ૯ અર્ધસદી ફટકારી હતી.

સૂર્યકુમારે ટી-૨૦માં પ્રથમ સદી પણ ગત વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફટકારી હતી. ઈંગ્લેન્ડે ૨૧૬ રનનો ટારગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમે ૩૧ રને ૩ વિકેટ ગુમાવી હતી. તેના પછી સૂર્યકુમારે એક યાદગાર ઈનિંગ રમી હતી. તેણે ૫૫ બોલમાં ૧૧૭ રન ફટકાર્યા હતા. તેણે ભારતને જીતને અણીએ લાવી દીધું હતું અને તેના આઉટ થતાં જ આપણે હારી ગયા હતા.