
ભારત સરકારે (Indian Government) સ્માર્ટ સિટીનું રેન્કિંગ જાહેર કરતાં સુરત શહેર સતત ત્રીજી વખત બેસ્ટ સ્માર્ટ સિટી (Smarat City)નો એવોર્ડ મેળવવા અગ્રેસર રહ્યું છે. જ્યારે ગયા વર્ષે છઠ્ઠા ક્રમે રહેલું વડોદરા આ વખતે વીસમા ક્રમે આવ્યું છે. દેશના 100 સ્માર્ટ સિટીમાં સુરત શહેર પહેલા ક્રમે આવ્યું છે. જે સુરત માટે ગૌરવની વાત છે.
વિવિધ શહેરો વચ્ચે વિકાસની સ્પર્ધા થાય તે માટે ભારત સરકારે વર્ષ 2017માં દેશમાં 100 સ્માર્ટ સિટીની યાદી બનાવી હતી. શહેરમાં પાણી અને ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિત માળખાકીય સુવિધાઓ સાથે વિવિધ મોટા મોટા પ્રોજેક્ટ હાથ ધરીને શહેરને વિકાસની નવી ઉંચાઈ સુધી લઈ જવાનો હેતુ આ પ્રોજેક્ટમાં રહેલો છે. દેશની 100 સ્માર્ટ સિટી વચ્ચે દર વર્ષે વિકાસ સંદર્ભે હરીફાઈ થાય તે હેતુથી રેન્કિંગ કરાય છે.

ભારત સરકાર દરેક સ્માર્ટ સિટીને કામો અને વિકાસ જોઈને રેન્ક આપતી હોય છે. ગુજરાતનું સુરત શહેર દેશની સ્માર્ટ સિટીની યાદીમાં સતત ત્રીજીવાર નંબર 1 પર આવી ગયું છે. તેમજ વડોદરા ગયા વર્ષે છઠ્ઠા ક્રમે હતું, તે આ વખતે 20માં ક્રમે ધકેલાઈ ગયું છે. સુરતમાં મોટા પ્રોજેક્ટો, એનવાયરમેન્ટલ ડેવલપમેન્ટ, એફોર્ડબલ હાઉસિંગ, ડ્રેનેજ સ્ટ્રોમ મેનેજમેન્ટ, હેરિટેજ રિસ્ટોરેશન, માસ ટ્રાન્સપોર્ટેશન કોરોના સમયમાં પણ વખાણવા લાયક કામગીરી વગેરે બાબત ધ્યાનમાં લેવાઈ હતી.