
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં એક પરિવારના ૩ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ કેનાલમાં કૂદીને જીવ ટૂંકવ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાં કૂદીને એક જ પરિવારના ૩ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. આજે વહેલી સવારે માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિકો દ્વારા અંગેની જાણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો આ બનાવને પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
ફાયર બ્રિગેડે દુધરેજ કેનાલમાંથી તમામના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જોકે, આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલ પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.