સુરેન્દ્રનગર, મયપ્રદેશથી દસાડા તાલુકામા ખેત મજૂરી કરવા આવેલ શ્રમિકો બુબવાણા સીમ વિસ્તારમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી જઈ રહ્યા હતા તે દરમિયાન નમી ગયેલ વીજ વાયર ટ્રેક્ટરની ટ્રોલીને અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે મહિલા સહિત ત્રણના મોત નીપજ્યા હતા અને અન્ય છ શ્રમિક ઈજાગ્રસ્ત થતા વિરમગામ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં ટ્રેક્ટરના ટાયર પણ સળગી ઊઠ્યા હતા બનાવ બાદ પાટડી નાયબ કલેકટર,તથા પોલિસ કાફલો બનાવ સ્થળે પહોચ્યો હતો અને રાજકોટથી પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ હોવાની વિગતો સામે આવી છે બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની સ્થાનિકોમા ગણગણાટ થયો છે તેથી પીજીવીસીએલ સામે રોષની લાગણી પ્રસરી હતી
આ પ્રકારની ઘટના બનવાનું એક મહત્વનું કારણ ઉભરી આવ્યું છે. ટ્રેક્ટરમાં લોખંડના પતરા લગાવેલા હતા. આ પતરા પાછા દસથી બાર ફૂટ ઊંચા લગાવેલા હતા. તેના લીધે ટ્રેક્ટર ખેતમજૂરોને લઈને પસાર થઈ રહ્યુ હતુ ત્યારે આ પતરાને વીજ વાયર અડી ગયો હતો. તેના લીધે ટ્રેક્ટરમાં બેઠેલાઓને વીજ કરંટ લાગ્યો હતો.વીજકરંટના લીધે બે મહિલા સહિત ત્રણ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયા છે. નમી ગયેલ વીજ વાયર બાબતે રજૂઆત કરવા છતાં દસાડા પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સ કરવામાં ન આવતા બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકોનું માનવુ છે.
પાટડી સડલા રોડ પર નમી ગયેલ વીજ વાયરથી આગ લાગી હતી. થોડા દિવસો પહેલા પાટડી-સડલા રોડ પર નમી ગયેલ વીજ વાયર આઈશર ગાડીને અડક્તા પશુ આહાર કડબ ભરેલ આઈશરમા આગ ભભૂકી ઉઠી હતી અને હજારોનુ નુક્સાન થયુ હતુ.