સુરેન્દ્રનગરમાં એસએમસીએ લાખો રૂપિયાનો પરપ્રાંતિય વિદેશી દારૂ પકડ્યો

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં બજાણા-માલવણ ફાટક પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી થઈ રહ્યું હોવાનું એસએમસીને બાતમી મળી હતી. એસએમસીએ દરોડા પાડતાં ત્રણને ઝડપી પાડી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા દારૂનો જથ્થો ચોટીલા લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલએ તપાસ કરતાં ક્રેટા કાર, મોબાઈલ સહિત કુલ ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ચાર ફરાર આરોપીઓની શોધખોળ થઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં એસએમીએ લોખંડનું કટીંગ ઝડપી પાડ્યું હતું. જે વાત હજુ સમી નથી ત્યાં એસએમસીના પીએસઆઇ એ.વી.પટેલ સહિતના સ્ટાફ દ્વારા પોલીસ મથક હદ વિસ્તારના બજાણા-માલવણ ફાટક પાસે ક્રેટા કારમાં પરપ્રાંતિય વિદેશી દારૂ નંગ ૬૭૮ બોટલ, કિંમત રૂપિયા૨ લાખ ૬ હજાર, ક્રેટા કાર કિંમત રૂપિયા ૧૦ લાખ, મોબાઈલ નંગ-૦૪ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૨ લાખ ૨૬ હજારના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

બજાણા પોલીસ દ્વારા પૂછપરછ કરતા દારૂનો જથ્થો ચોટીલા ખાતે લઈ જવાતો હતો. બજાણા પોલીસ મથકે કાર માલિક તથા જથ્થો મોકલનાર અને ચોટીલા ખાતે જથ્થો લેવા આવનાર સહિત કુલ સાત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.