સુરેન્દ્રનગર,
શિયાળાની ૠતુમાં ચોરીની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે ખેતર પર મુકવામાં આવેલ મશીનમાંથી હેડબ્લોકની ચોરી કરવાની ઘટના સામે આવી છે. આ તસ્કરોની ટોળકીને પકડવા માટે પોલીસની કોશિશ સફળ થઈ હતી. જેમાં વઢવાણ પોલીસે આરોપી મહેબુબની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ૪૮ હેડબ્લોક સહિત કુલ ૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ કબૂલ કર્યુ હતું કે, તે મોડી રાત સુધી ઈકો કારમાં નર્મદા કેનાલ પર રેકી કરતો હતો. જ્યારે પણ ચોરી કરવા માટે સંજોગો બનતા દેખાય ત્યારે તે ખેડૂતોના મશીનો અને ખેત ઓજારોની ચોરી કરતો હતો.
પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે આ અગાઉ પણ જામનગર, સાયલા અને લીંબડી પોલીસ સ્ટેશનમા આરોપી મહેબુબ સામે અનેક ગુના નોંધાયા છે. હાલમાં પોલીસ આરોપી મહેબુબ મશીનોમાંથી હેડબ્લોકની ચોરી કરી કોને વેચતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના ખેડૂતો તેમના મશીન કેનાલ પર મુકે છે. જ્યારે સરકાર સીંચાઈ માટે પાણી છોડે ત્યારે ખેડૂતો મશીનમાં પાઈપ ફીટ કરી પોતાના ખેતરમાં પાણી સીંચાઈ માટે પાણી લે છે. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના માળોદ, ટીંબા સહીતના ગામોના ખેડૂતોએ માળોદ કેનાલ પર મશીનો મુકયા છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી કેનાલો પર મુકેલા મશીનોમાંથી હેડ બ્લોકની ચોરી થયાની ઘટનાઓ સામે આવી રહી છે.
ખેડૂતોના મશીનોમાંથી હેડબ્લોકની ચોરી સૌથી વધારે થતી જોવા મળે છે. આ અંગે મળતી માહીતી મુજબ મશીનમાં હેડ બ્લોક મશીનનો અગત્યનો પાર્ટસ છે. જો કોઈ મશીનનો હેડ બ્લોક ખરાબ થયા તો તેના સ્થાને આ હેડબ્લોક નાંખવામાં આવતા હોય તેવુ હાલ લાગી રહ્યુ છે. જેમાં તસ્કરો રૂપિયા ૮ હજારના હેડ બ્લોક ચોરીને કરીને ઓછા રુપિયામાં વેચી દેતા હોવાની વિગતો હાલ બહાર આવી રહી છે.