સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. આ વખતે શહેરમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવી દેવામાં આવી છે. હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી, પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે અને આ હત્યા કેસ પાછળ અંગત અદાવત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે યુવકની હત્યા કરવામાં આવી છે તેની ઓળખ મહેબુલ નાનુભાઈ મુલતાની તરીકે થઈ છે.
સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રિંગરોડ પર આવેલી વિમલનાથ સોસાયટી પાછળ હત્યાનો બનાવ બન્યો છે. મોડી રાત્રે મહેબૂબની હત્યા કરીને કેટલાક લોકો ફરાર થઈ ગયા હોવાની આશંકા છે. મહેબૂબની અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિમલનાથ સોસાયટી પાછળ મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો, આ હત્યા કેસના કારણે આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બનાવ અંગે શહેરના બી ડિવિઝન પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યા સ્થળ પરથી પુરાવા એકઠા કરવાની સહિતની જરુરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે હોસ્પિટલમાં જઈને પણ જરુરી કાર્યવાહી કરી હતી.
પોલીસ આ કેસમાં મહેબૂબના ફોન અને બનાવ બન્યો તે વિસ્તારમાં લાગેલી સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ કરશે. હત્યા પાછળ અંગત અદાવત કારણરૂપ છે કે પછી કોઈ અન્ય કારણ છે તેની પોલીસે તપાસ શરુ કરી દીધી છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે અંદાજે બેથી ત્રણ અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મહેબૂબની હત્યા નીપજાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હત્યા બાદ આ કેસમાં સંડોવાયેલા લોકો બનાવના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.