સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ૭ ઇંચ વરસાદ વરસ્તા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઘણાં સમયથી વરસાદની રાહ જોતા લીંબડી, ચુડા સહિતના પંથકને મેઘરાજાએ ઘમરોળ્યું છે. લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ ૧૭૫ મીમી વરસાદ એટલે એ ૭ ઈંચ મુશળધાર વરસાદનો કહેર વર્તાવતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
લીંબડી તાલુકામાં ૭ ઇંચ વરસાદ વરસ્તા ST ડેપો રોડ, પારસનગર મફતીયાપરા અને ભોગાવો નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોરબી નજીકના મહાકાય મચ્છુ-૨ ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે જેથી કરીને હાલમાં ૨૮ દરવાજાને ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ નદી પણ બે કાંઠે રહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ નદીમાં છોડવામાં આવતું પાણી મચ્છુ-૩ ડેમમાં જતું હોવાથી મચ્છુ-૩ ડેમના પણ ૧૫ જેટલા દરવાજાને ૧૫ ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે મોરબી જિલ્લાના કલેક્ટર જિલ્લાના લોકોને અપીલ કરી છે.
રાજ્યમાં ૨૭મી ઓગસ્ટના સવારના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૯.૬૬ ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૧૬ ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મય ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં ૮૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.