સુરેન્દ્રનગરમાં એક દિવસ ૧૦ કલાક વીજળી મળતા ખેડૂતો રોષમાં, ધરતીપુત્ર સાથે મજાક થઈ હોવાના આક્ષેપ

Surendranagar : તમને કોઈ ગિફ્ટ આપે અને પછી બીજા જ દિવસે એમ કહીને પાછી માગી લે કે આ તો તમને એક દિવસ ફક્ત રાખવા માટે જ આપી હતી. બસ એવું જ કંઈક સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે થયું છે. વરસાદ ખેંચાતા ઉર્જામંત્રીએ જાહેરાત કરી કે પિયત માટે ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે.

ખેડૂતો ખુશ થયા પણ એક દિવસ પછી એવું કહેવામાં આવ્યું કે આ તો રક્ષાબંધનના એક દિવસ પૂરતી જ જાહેરાત હતી. સ્વાભાવિક જ ખેડૂતો ગુસ્સામાં છે કેમકે તેમને લાગે છે કે આ તો તેમની સાથે મજાક થઈ છે. બીજી તરફ સરકારે બીજા 14 જીલ્લાઓમાં પણ 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. ત્યારે એ સમજવાનો પ્રયાસ કરીએ કે ખરેખર 10 કલાક વીજળી મળશે કે નહીં તેવા અનેક પ્રશ્નો થઈ રહ્યાં છે.

રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. જેના પગલે સુરેન્દ્રનગરના ખેડૂતોએ સરકાર સમક્ષ માગ મુકી હતી કે સિંચાઈ માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવે. સુરેન્દ્રનગરના ખેડૂતોની માગને ધ્યાને રાખીને રક્ષાબંધનના દિવસે 10 કલાક વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

સરકારની જાહેરાતને પગલે ખેડૂતો ખુશ થયા હતા. જો કે ખેડૂતોનો રોષ ત્યારે ભભૂકી ઉઠ્યો જ્યારે તેમને જાણ થઈ કે આ વ્યવસ્થા માત્ર રક્ષાબંધનના એક દિવસ પૂરતી જ હતી. ખેડૂતોએ આ અંગે સરકાર સામે રોષ ઠાલવ્યો સાથે જ કાયમી 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવે તેવી ઉગ્ર માગ પણ કરી છે.