સુરેન્દ્રનગરમાં દુકાન માલિકે કચરા-પોતા કરવાવાળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સગીરા અને યુવતી સાથે અત્યાચારના બનાવોએ માઝા મુકી છે. ત્યારે શુક્રવારે વધુ ૩ ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. જેમાં સુરેન્દ્રનગરના દુકાનદારે કચરા-પોતા કરવાવાળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ છે. જયારે સાયલા ગ્રામ્યમાં યુવતી પાસે અભદ્ર માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ છે. બીજી તરફ વઢવાણ ગ્રામ્યમાં સગીરા સાથે અડપલાં કરતો શખ્સ પકડાયો છે.

જિલ્લામાં સગીરા અને યુવતી સાથે અત્યાચારના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ ૯ ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. જેમાં વઢવાણની સગીરા સાથે દુષ્કર્મ અને ચૂડાની યુવતી સાથે કુકર્મ કરી ગર્ભવતી બનાવી દેવાઈ છે. જયારે સાયલા ગ્રામ્યમાં સગીરા સાથે દુષ્કર્મ, લખતર તાલુકામાં સગીરાને ભગાડી જવી, યુવતીને બદનામ કરવાની ધમકી આપતા યુવતીએ ઝેરી દવા પી લીધી, મૂળીમાં સગીરાને ભગાડી જવાના બનાવો બન્યા છે. ત્યારે આવી વધુ ૩ ફરિયાદ નોંધાઈ છે. જેમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગુનાની મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના ૮૦ ફુટ રોડ પર પોલીટેકનીક સામેના વિસ્તારમાં આવેલ મહાવીર સોસાયટીમાં રહેતો ૬૯ વર્ષીય છગન પુંજાભાઈ પરમાર નવા જંકશન રોડ પર અલકા ચોક પાસે આવેલ માટેલ ધામમાં ચામુંડા ટૂર્સ નામની દુકાન ધરાવે છે. તેને ત્યાં અવારનવાર છુટક કચરા પોતા કરવા એક ૨૭ વર્ષીય યુવતી આવતી હતી.ત્યારે તા. ૧લી માર્ચથી તેને કાયમી આખો મહીનો કામ માટે છગન પરમારે કીધુ હતુ. જેમાં ગત તા. ૨૯મી ફેબ્રુઆરીના રોજ તે દુકાન જોવા આવતા આવતા કચરા-પોતા કર્યા હતા અને બાદમાં બળજબરી પુર્વક છગને દુકાનમાં જ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બનાવની ફરિયાદ નોંધાતા જ એ ડિવિઝન પીઆઈ જે.જે.જાડેજા સહિતની ટીમે આરોપીને દબોચી લીધો હતો. બીજી તરફ જોરાવરનગર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાંથી મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના એક ગામમાં રહેતા પરિવારમાં પિતા અને ભાઈ લગ્નમાં ગયા હતા. જયારે માતા સુરેન્દ્રનગર ખરીદી કરવા ગઈ હતી. ત્યારે સગીરા ઘરે એકલી હતી. આ સમયે ગામનો જ રાજ હરેશભાઈ દેવૈયા ઘરે પહોંચ્યો હતો. અને સગીરા સાથે અડપલાં કરતો હતો. આ સમયે સગીરાના દાદા આવી જતા યુવકને ઘરમાં જ પૂરી દીધો હતો. અને સગીરાના પિતાને બોલાવ્યા હતા. આ બનાવમાં રાજ દેવૈયા સામે સગીરા સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જયારે સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાંથી મળતી માહિતી મુજબ સાયલા ગ્રામ્યની એક યુવતીને ગામનો જ પૃથ્વીરાજ રામકુભાઈ ભગત અવારનવાર ફોન કરતો હતો. યુવતી ફોન ન ઉપાડતા ગત તા. ૨૪મીએ તેના ઘરે જઈ અભદ્ર માંગણી કરી હતી. અને યુવતીને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ધજાળા પોલીસ ચલાવી રહી છે.