સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરની જેલમાંથી મોબાઈલ મળતા ખળભળાટ મચ્યો છે. શહેરની સબજેલમાં ચેકિંગ દરમ્યાન ૬ મોબાઇલ મળતા ચકચાર મચી જવા પામી છે. સબજેલમાં અમદાવાદની ટીમ તપાસ કરી રહી હતી ત્યારે બેરેક પાસેની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા. ટીમે તમામ મોબાઈલ એફએસએલ માટે મોકલી આપ્યા છે.
સબજેલના બેરેક નંબર ૧ અને ૨ની પાછળની બાજુ આવેલ પ્રથમ ગટરની કુંડીમાંથી ૩ મોબાઈલ મળ્યા અને ત્યારપછી વધુ તપાસ કરતા બીજી કુંડીમાંથી વધુ ૩ મોબાઈલ મળ્યા. જેલમાં સજા ભોગવતા આરોપીઓની આ મોબાઈલ અંગે પૂછપરછ કરતા કોઈએ પણ કબૂલાત કરી નહી. મળી આવલે મોબાઈલ કુંડીના પાણીમાં ગરકાવ થતા બંધ હાલતમાં છે. આ મામલે સીટી એ ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે. જેલમાં આરોપીઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં ૬ મોબાઈલ મળી આવતા જેલના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શંકા ઉદભવી રહી છે.હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.