સુરેન્દ્રનગર, ચોટીલામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સાળીએ જ પોતાની બહેનનો સિંદૂર છીનવી લેવાની ઘટના બની છે. ગત બુધવારના ચોટીલા ખાતે આવેલા મફતિયા પરા વિસ્તારમાં સાળીએ પોતાના બહેનોઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કોઈ કારણોસર સાળી અને બનેવી વચ્ચે બોલાચાલી છતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થતા સાળીએ બનેવીને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જણાવી દઈએ કે, આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો જોઈએ તો, આ મામલે પાડોશમાં રહેતા પ્રવીણ ધરજીયા નામના વ્યક્તિએ સોનું ઉર્ફે સોનકી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૦૨ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને ચોટીલા ખાતે રહીને મજૂરી કામ કરનારા મૃતક રામચંદ્ર ઉર્ફે કાળીયા પવારને તેની સાળી સોનુ સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. સોનુએ પોતાના હાથમાં પથ્થર લઈને રામચંદ્ર ઉર્ફે કાળિયાને માથાના ભાગે મારીને તેની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, પોતે મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે પોતાના પાડોશમાં ઝઘડાનો અવાજ આવતો હતો. ત્યારે ઝઘડા સંદર્ભે તપાસ કરતા સોનકી અને તેની સાથે રહેતો રામચંદ્ર ઉર્ફે કાળીયો બંને ઝઘડો કરતા હતા. આ સમયે સોનુના હાથમાં મોટો પથ્થર પણ હતો. બંને અવારનવાર બોલાચાલી કરી ઝઘડો કરતા હોવાના કારણે હું વચ્ચે પડ્યો ન હતો. ત્યારે ગત બુધવારના રોજ સવારના ૮:૩૦ વાગ્યે પોતે પોતાના ઘરની બહાર નીકળ્યો ત્યારે બજારમાં વાત થતી હતી કે રામચંદ્ર ઉર્ફે કાળીયો મરી ગયો છે. જેથી હું તેમના મકાન પાસે જોવા ગયો હતો સોનુંના મકાનના ફળિયા પાસે જતા કાળીયો ત્યાં લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. આ સમગ્ર બનાવની જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી ગઈ હતી.
ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઇ આઈ.એમ.સંગાડાના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપી બંને મૂળ મહારાષ્ટ્રના વતની છે. કાળીયો ચોટીલામાં રહીને મજૂરી કામકાજ કરતો હતો અને તેની પત્ની મહારાષ્ટ્રમાં રહે છે. તેમજ તેણે અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. આ સાથે તેમજ રામચંદ્ર ઉર્ફે કાળીયાનો પુત્ર પણ મહારાષ્ટ્રમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.