ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે સરેન્ડર કર્યા બાદ આજે તેમને ડેડીયાપાડા કોર્ટમાં લઈ જવાયા હતા. મહત્વનું છે કે, રાજપીપળા LCB દ્વારા ચૈતર વાસાવાની પૂછપરછ કરાઈ હતી. જે બાદમાં પોલીસે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કર્યા બાદ ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ તરફ કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તેઓ એક મહિનાથી ફરાર હતા. જોકે ગઈકાલે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
છેલ્લા એક મહિના જેટલા સમયથી ફરાર ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ગઈકાલે બપોરના સમયે પોલીસ સમક્ષ હાજર થયા હતા. નોંધનિય છે કે, MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં હવે કાલે ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જોકે સરેન્ડર પહેલા તેમણે વીડિયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાની વાત પણ કરી હતી.
ચૈતર વસાવા છેલ્લા 1 માસ 9 દિવસથી ભુગર્ભમાં હોવાની ચર્ચા વચ્ચે હાઇકોર્ટે અગાઉ ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. આ તરફ ચૈતર વસાવાના સરેન્ડરને લઈ નર્મદા પોલીસે તમામ ચેક પોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો અને સઘન તપાસ પણ હાથ ધરી હતી. હાજર થવાની માહિતી મળતાં ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. ડેડીયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે બાદ ચૈતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા.