સુરક્ષા પર રાજકારણ

સુરક્ષા પર રાજકારણ

જ્યારે પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે અપરાજિતા વિધેયક રજૂ કરાયું તો પક્ષ-વિપક્ષ બધા એક સાથે ઊભેલા દેખાયા. તમામ રાજકીય મતભેદ જાણે અચાનક ખતમ થઈ ગયા. વિધેયક સર્વસંમતિથી પસાર થઈ ગયું. મમતા બેનર્જીએ વિપક્ષના ધારાસભ્યોને કહ્યું કે તેઓ રાજ્યપાલને આ વિધેયકને સ્વીકૃતિ આપવાનો અનુરોધ કરે, જેથી આગળ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકાય. વિપક્ષના નેતા ભાજપના શુભેન્દુર અધિકારીએ તો રાજ્યપાલને તેની અપીલ પણ કરી દીધી.

છેલ્લા કેટલાક દિવસોમાં કોલકાતાની સડકોએ એક ડોક્ટરના બળાત્કાર અને હત્યા બાદ જે પ્રકારની રાજનીતિ અને ગુંડાગર્દી જોઇ છે, ત્યારબાદ આ પ્રકારની આમ સહમતિ એક આશા બંધાવી શક્તી હતી, પરંતુ એવું થયું નહીં. વિધેયક ભલે સર્વસંમતિથી પાસ થયું હોય, પરંતુ જે પ્રકારની રાજનીતિ ત્યાં દેખાઈ, તે કોઈપણ રીતે આશ્ર્વસ્ત કરનારી ન હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તો બીજાં રાજ્યોમાં થયેલ બળાત્કારોની આખી યાદી જ રજૂ કરી દીધી. તેઓ એટલેથી ન અટક્યાં. તેમણે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેટલાય રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે એ તર્ક સાથે રાજીનામાની માંગ કરી કે તેઓ મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફલ રહ્યા છે.

યાદ રહે, ભાજપી નેતાઓ કોલકાતા હોસ્પિટલ બળાત્કાર અને હત્યા મામલે કેટલાય દિવસથી મમતા બેનર્જીનું રાજીનામાની માંગ કરી રહ્યા છે. એટલે મમતાએ વિચાર્યું કે તેનો રાજકીય જવાબ જથ્થાબંધના ભાવે રાજીનામાં માગીને જ આપી શકાશે!

હવે જોઇએ અપરાજિતા વિધેયક. નિશ્ર્ચિતપણે તેમાં કેટલીક વાતો બહુ સારી છે. આ વિધેયક સ્પષ્ટપણે કહે છે કે જો કોઈનો બળાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવે છે કે પછી બળાત્કારી તેને સંપૂર્ણ રીતે અક્ષમ બનાવી દે છે, તો તેના દોષીને મૃત્યુદંડ જ આપવો જોઇએ. અહીં થોડા અટકીને આપણે ૨૦૧૨ના નિર્ભયા કાંડને યાદ કરી લેવો જોઇએ, ત્યારબાદ બળાત્કાર સંબંધિત કાયદાઓમાં બદલાવ માટે જસ્ટિસ જેએસ વર્મા આયોગની સ્થાપના થઈ હતી.

આ આયોગે બહુ વિમર્શ બાદ બહુ ઓછા સમયમાં પોતાનો રિપોર્ટ આપ્યો હતો. આ જ રિપોર્ટના આધાર પર કેન્દ્રએ જે કાયદો બનાવ્યો, તેમાં દોષીને વધુમાં વધુ સજા તરીકે મૃત્યુદંડની જ જોગવાઇ હતી. પરંતુ શું થયું? આપણે નિર્ભયા કાંડના દોષીઓને બાદ કરી દઈએ તો બાદમાં કોઈપણ બળાત્કારીને ક્યારેય મૃત્યુદંડ નથી આપવામાં આવ્યો.

આ વિધેકમાં એક વધુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જો કોઈને બળાત્કાર માટે આજીવન કારાવાસ થાય છે, તો તેને આ સજા દરમ્યાન કોઈપણ જાતના પેરોલ કે ફર્લો ન આપવામાં આવે. હાલના ઘણા બધા સંદર્ભો દર્શાવે છે કે કાયદામાં આ પ્રકારની જોગવાઈ કેટલી જરૂરી છે. કાયદાઓમાં ખામીઓ હોઈ શકે છે, પરંતુ તેના કરતાં વધારે ખતરનાક છે બળાત્કાર પર થનારું રાજકારણ. રાજકારણમાં બળાત્કારને હંમેશાં રાજકીય ઓજાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

જે કોલકાતાના કાંડ પર હંગામો મચાવી રહ્યા છે, તેઓ બદલાપુરની ઘટનાઓ પર ચૂપકિદી સેવે છે અને જેઓ બદલાપુરને માથે લઈને ફરે છે તેઓ કોલકાતાની ઘટના પર ચૂં-ચાં પણ નથી કરતા! બળાત્કારની દરેક ઘટના બાદ જનતાનો ગુસ્સો રાજકારણના આ આરોપ-પ્રત્યારોપો આગળ દમ તોડી દે છે. બળાત્કાર પર રાજકારણ ન થવું જોઇએ. તેને લઈને કોઈ સામાન્ય સહમતિ બનાવવાની કોશિશ કેમ નથી થતી?