સુરતના માંગરોળમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા નિપજાવી:10 દિવસ પહેલા બ્રેકઅપ થયા બાદ મળવા બોલાવી હતી, પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી છે. પોલીસતપાસમાં પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે માંગરોળના ડીવાયએસપી બી.કે.વનારે જણાવ્યું હતું કે, બંને વચ્ચે શાળા સમયથી મિત્રતા હતી. કોઈ કારણસર બંને જગ્યા ઉપર મળ્યા હતા. તેઓની વચ્ચે અણબનાવ બનતા જે યુવતી છે તેના ગળા ઉપર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. આરોપી સુરેશે પણ પોતાના શરીર ઉપર ઇજાઓ કરી છે. પોતાના ગળા પર છરીના ઘા કર્યા છે. હાલ તે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. તેજસ્વીનીબેનનું સ્થળ ઉપર મોત નીપજતા તેઓના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. સ્થળ ઉપર પહોંચી એફએસએલ ઓફિસર સાથે પંચનામું કરવામાં આવ્યું છે. તમામ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી છે. યુવતીના પિતા દ્વારા ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે યુવતી એન.ડી.દેસાઈ કોલેજમાં ભણતી હતી. પહેલા સુરેશ વાડી ખાતે રહેતો હતો અને શિફ્ટ થઈને કડોદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેવા ગયો હતો. યુવતી અને પોતાના મિત્રોને મળવા માટે એક દિવસ પહેલા જ તે આવ્યો હતો તેવી માહિતી મળી છે. બંને વચ્ચે અણ બનાવ હતો તે અંગેની હાલ પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે.

યુવક-યુવતી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા

તેજસ્વીની કોલેજમાં આજે એન્યુઅલ ફંકશન હતું સુરેશ એક દિવસ પહેલાથી જ વાંકલમાં રહેવા માટે આવ્યો હતો. બારડોલી નજીક ગંગાધરા વિસ્તારમાં સુરેશ રહેતો હતો, પરંતુ એક દિવસ પહેલા જ તે વાંકલ આવ્યો હતો અને પોતાના મિત્રના ઘરે રોકાયો હતો. રાત્રે જમ્યા પછી, તે પોતાના મિત્રના ઘરે સુઈ ગયો હતો. મિત્ર ઘરે પહોંચે, તે પહેલા જ સુરેશ સુઈ ગયો હતો, અને મિત્ર સવારે ઊઠે, તે પહેલા જ તે મિત્રના ઘરેથી નીકળી ગયો હતો. તેજસ્વીની કોલેજમાં આજે એન્યુઅલ ફંકશન હોવાથી, તે કોલેજ જવા માટે નીકળી હતી અને કોલેજ જવા પહેલા તે સુરેશને મળવા પહોંચી હતી.

યુવતી તેજસ્વીનું મોત નિપજ્યું છે. હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી. બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે.

સુરત ગ્રામ્ય પોલીસના કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે, એક યુવતીનું મોત નિપજ્યું છે અને એક યુવકના ગળાના ભાગે ગંભીર ઇજા છે. આ જાણ થતાં જ સુરત માંગરોળ પોલીસ વાંકલ-બોરીયા માર્ગ પર પહોંચી. ત્યાં જોતાં એક યુવતીના ગળા પર ચપ્પુના ઘા થવાથી તેનું મોત થયું હતું, જ્યારે એક યુવકના ગળા પર ગંભીર ઈજાઓ થઈ હતી. જેનાથી તે તડપી રહ્યો હતો. યુવકને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો. બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ આ ઘટના કેવી રીતે બની તેની તપાસ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ઇજાગ્રસ્ત યુવક સુરેશ જોગીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરેશે ચપ્પુ વડે પોતાના ગળા પર ગંભીર ઈજા કરી હતી; લગભગ ત્રણ ઇંચ જેટલો ઘા તેના ગળા પર હતો. ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી. સુરેશ જોગીની સ્વરપેટી કપાઈ ગઈ હતી, જેથી તે કશું કહેવાની સ્થિતિમાં નહોતો. તેને તાત્કાલિક સર્જરી માટે મોકલવામાં આવ્યો. આ દરમિયાન, પોતાના મોબાઈલથી તે ડોક્ટરને ઘટના અંગે જણાવી રહ્યો હતો.

સિવિલ હોસ્પિટલની ડોક્ટર આરતીએ જણાવ્યું હતું કે, સવારે 10:30 વાગ્યે આ દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. દર્દી હાલ બોલી શકે તેવી સ્થિતિમાં નથી, કારણ કે તેની સ્વરપેટી કપાઈ ગઈ છે. તેને તાત્કાલિક સર્જરી માટે મોકલવામાં આવ્યો છે, અને ત્યાં તેની સારવાર થશે.

સુરેશના માતાપિતાએ કહ્યું- ‘શું થયું તે અમને ખબર નથી’ સુરેશની માતા મીનાબેનએ જણાવ્યું હતું કે, “શું ઘટના બની છે, તે અંગે મને કંઈ ખબર નથી. અત્યાર સુધી મેં તેનું મોં પણ જોયું નથી. મારો છોકરો મજૂરી કામ કરે છે.” સુરેશના પિતા કાલિદાસે જણાવ્યું હતું કે, “મારો છોકરો ઘરે હતો. ઘરેથી બાઈક લઈને નીકળ્યો પછી શું થયું એ અંગે અમને જાણ નથી. આ ઘટના કેવી રીતે બની, તે મને ખબર નથી. હું મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવું છું.”