સુરતમાં દંપતીને લાફો મારનાર TRB જવાનની દાદાગીરીનો CCTV Video સામે આવ્યો

સુરત,શહેરમાં ટીઆરબી જવાનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો હતો. જે બાદ શિક્ષક દંપતીએ આ અંગે ટીઆરબી જવાન સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે જવાને પણ આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. માત્ર ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરવાની સત્તા હોવા છતાં પણ દંપતીને તમાચો મારતો TRB જવાન સીસીટીવીમાં કેદ થયો છે. મહત્વનું છે કે, શિક્ષક પત્ની ગર્ભવતી હોવાને કારણે પતિ તેમને શાળામાં મૂકવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.

સુરતના કતારગામ ખાતે રહેતા હેમાલીબેન પટેલ અઠવાલાઇન્સ ખાતે આવેલી સિટીઝન ટોટ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. હેમાલીબહેન પોતાના પતિ જીગ્નેશભાઇ સાથે મોપેડ પર શાળાએ જવા નીકળ્યા હતા. આઠવાલાઇન્સ ખાતે આવેલી ચોપટી પાસેના સિગ્નલ પર તેમનું મોપેડ થોડું આગળ નીકળી ગયુ હતું. સિગ્નલ રેડ થઇ જતા આ દંપતી ઉભા રહી ગયા હતા ત્યારે ત્યાં ટ્રાફિક નિયમન કરતો ટીઆરબી જવાન આ દંપતી પાસે આવ્યો હતો. તેણે દંપતીને ધમકાવતા કહ્યું હતું કે, સિગનલ બંધ થઇ ગયું તે દેખાતું નથી કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો.