સુરતમાં બેફામ દોડતી સિટી બસે ટક્કર મારતાં મોપેડસવાર મહિલાનું મોત, બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી

સુરતમાં અકસ્માતની ઘટનામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં ઇલેક્ટ્રિક સિટી બસે એક મોપેડને અડફેટે લીધું હતું. જેમાં મોપેડચાલક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ પોલીસે તાત્કાલિક બસ-ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરીને સ્કૂલે મૂકી પરત ફરતી મહિલાને કાળરૂપી સિટી બસે અડફેટે લેતાં મોત થયું હતું. મહિલાના મોતના પગલે બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી હતી. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેદ થઈ હતી.

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતી સિટી અને બીઆરટીએસ બસ અનેક વખત અકસ્માત સર્જ્યા છે. બસ-ડ્રાઈવરો બેફામ બસ હંકારી નિર્દોષોને અડફેટે લેતા હોય છે, જેના કારણે અનેક વખત લોકોનાં મોત પણ થઈ ચૂક્યાં છે. ત્યારે ફરી એક વખત બસ-ડ્રાઇવરની બેદરકારીના કારણે એક મહિલાનું મોત થયું છે. સુરતના અડાજણ વિસ્તારમાં શ્રીરામ પેટ્રોલ પંપની સામે ઇલેક્ટ્રિક સિટી બસે એક મોપેડચાલક મહિલાને અડફેટે લીધાં હતાં. 42 વર્ષીય દિવ્યાબેન કમલેશભાઈ સોની રોજિંદા કામ મુજબ પોતાની દીકરીને સ્કુલે મૂકી પરત જઈ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી, જેમાં દિવ્યાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતું.

મળતી માહિતી પ્રમાણે, જહાંગીરાબાદમાં આવેલા સ્વસ્તિક રો હાઉસમાં 42 વર્ષીય દિવ્યાબેન કમલેશભાઈ સોની પોતાના પરિવાર સાથે રહેતાં હતાં. ત્યારે દરરોજની જેમ વહેલી સવારે અડાજણ ખાતે આવેલી એલ. એચ. બોઘરા સ્કૂલમાં પોતાની દીકરીને સ્કૂલે મૂકવા જતાં હતાં. દિવ્યાબેનની દીકરી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને રોજ દિવ્યાબેન પોતાની દીકરીને સ્કૂલે લેવા – મૂકવા જાય છે. એ પ્રમાણે આજે પણ તેઓ ઘરેથી નીકળ્યાં હતાં અને દીકરીને સ્કૂલે મૂકી પરત ઘરે આવવા નીકળ્યાં હતાં.

અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રીરામ પેટ્રોલ પંપ ત્રણ રસ્તા પાસે ઇલેક્ટ્રિક સિટી બસે મોપેડને ટક્કર મારી હતી, જેમાં અકસ્માત થતાં દિવ્યાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માતાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દિવ્યાબેનના પરિવારમાં બે દીકરી છે, જેમાં મોટી દીકરી પારુલ યુનિવર્સિટીમાં ડોક્ટરનો અભ્યાસ કરે છે અને તેમના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. દિવ્યાબેનના મોતથી પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે, જોકે આ પહેલી વખત નથી કે સિટી અને બીઆરટીએસ બસના કારણે કોઈનો ભોગ લેવાયો હોય, અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ સિટી અને બીઆરટીએસ બસની એજન્સીઓના નિયમો કડક ન હોવાથી ડ્રાઇવરો પોતાની મનમાનીથી બેફામ રીતે બસ ચલાવે છે. જેના કારણે અનેક વખત લોકોના ભોગ લેવાય છે. અડાજણ વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં તાત્કાલિક જ પોલીસે બસ-ડ્રાઇવરની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.