સુરતના સાયણમાં 14 વર્ષના કિશોરની હત્યા:પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી પતિએ સગીરનું ગળું કાપી નાખ્યું

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં 14 વર્ષના કિશોરની તેના પાડોશી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આરોપી વિજય વસાવાએ પોતાની પત્ની સાથે મૃતક કિશોરના આડા સંબંધનો વહેમ રાખીને 14 વર્ષના સગીરનું ગળું કાપી હત્યા કરી છે. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

પત્ની સાથેના આડા સંબંધની શંકામાં સગીરની હત્યા સાયણ ગામમાં 14 વર્ષના સગીર વયના વ્યક્તિની પત્ની સાથેના આડા સંબંધ હોવાની શંકાએ હત્યા કરવામાં આવી છે. આ ઘટના સવારના સમયની છે જ્યારે મૃતક કિશોર આરોપી વિજય વસાવાના ઘરે ગયો હતો. તે સમયે કિશોર આરોપીની પત્ની સાથે ઊભો હતો. આ દરમિયાન ઘરે આવેલા વિજય વસાવાએ બંનેને સાથે જોતાં આવેશમાં આવી ગયો અને એકાએક ચપ્પુ લઈને કિશોર પર હુમલો કર્યો. આરોપીએ કિશોર પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા અને તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો.

ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી.આર. જાદવએ જણાવ્યું હતું કે આજરોજ સાયણ વિસ્તારમાં આરોપી વિજયભાઈ કાનાભાઈ વસાવા તેની પત્ની સાથે રહે છે. સવારે આઠેક વાગ્યે તે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની પાસે 14 વર્ષ અને 7 માસનો સગીર ઉભો હતો અને પત્ની સાથે શંકા વહેમ રાખી સગીર સાથે ઝઘડો કર્યો હતો અને ગળાના ભાગે ચપ્પુના ભાગે ઘા મારતા સગીરનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી ભાગી ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ફરિયાદ લઈને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે આરોપીને પકડવા તપાસ આદરી આ ઘટનાની જાણ થતાં જ ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. DYSP આઈ.જે. પટેલ, ઓલપાડ પોલીસ મથકના PI સી.આર. જાદવ, PSI એસ.એન. ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો. પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. આ ઘટનાથી સમગ્ર સાયણ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મૃતક કિશોરનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે વ્યાપક તપાસ શરૂ કરી છે.