સુરતમાં એક જ દિવસે 300 દીકરીના પ્રભુતામાં પગલાં:સવાણી પરિવારના 111 દીકરીના સમૂહલગ્નમાં કોમી એક્તાના દર્શન, CM અને મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા

સુરતમાં આજે (14 ડિસેમ્બર) એક જ દિવસમાં બે અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પીપી સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતં. જેમાં બે મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા. તો બીજી તરફ આહીર સમાજ દ્વારા 20 પિતા વિહોણી સહિત 189 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. પીપી સવાણીના પિયરિયું સમૂહલગ્નના આયોજનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ મોરારી બાપુ સહિતના સંતો પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા.

છેલ્લા 16 વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણી કુલ 5274 દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે, ત્યારે 14 ડિસેમ્બરના દિવસમાં 111 દીકરીઓ ‘પિયરીયું’ છોડીને સાસરે શ્વસુરગૃહે ગઈ છે. જેમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા અને કન્યાદાન કર્યું હતું. મોરારિબાપુ સહિત સંતો પણ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.

પિયરીયું લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. બે મૂક-બધિર અને બે દિવ્યાંગ કન્યા છે, બે મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનની શરૂઆત કરી છે. અગાઉ જ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે 111 કન્યા છે એ પૈકી 90 ટકા કન્યા એવી છે કે, એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.

પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. એક જ પિતા એટલે કે મહેશ સવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા બન્યા છે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50 હજાર તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તો લગ્નસમારોહમાં 370 ફૂટ સૌથી લાંબુ તોરણ બનાવ્યું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહી હતી અને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા.

પિયરિયું લગ્નસમારોહના દિવસે કતારગામ વિસ્તારની પ્રથમ પી.પી. સવાણી ગ્રુપની શાળાનો શુભારંભ પણ થયો હતો. પી.પી. સવાણી ગ્રુપના પરંપરાગત મૂલ્યનિષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ હવે કતારગામ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ મળશે.

દરવર્ષે દીકરીનું પૂજન થાય જ છે, આ વર્ષે પણ પૂજન કરવામાં આવ્યું પણ એમાં નવા પરિમાણ ઉમેરાયા છે. લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ-સસરાએ કર્યું, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુએ કર્યું હતું. આ આરતી અનોખી અને સંભવત: પ્રથમ વખત કરવામાં આવ્યું હતું જ્યાં વહુ અને જમાઈની આરતી એની સાસુએ ઉતારી હતી.

લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા-જમાઈઓને કુલુ મનાલી અને માતા એટલે કે બંને વેવાણની સાથે આ વર્ષે આયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે. પી.પી. સવાણી પરિવાર પ્રવાસ આયોજન-ખર્ચ ઉપાડશે.

સુરત આહીર સમાજ સેવા સમિતિ દ્વારા 31મા સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189 નવયુગલોએ પ્રભુતામાં પગલા માડ્યાં હતા. એટલું જ નહીં પણ તમામ દીકરીઓને 51 વસ્તુઓનો 2 લાખથી વધુનો કરિયાવર આપવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, આ વર્ષે 40 યુગલો વેલ એજ્યુકેટેડ એટલે કે ડોક્ટર અને એન્જિનિયર પણ છે. જેઓ પહેલીવાર સમૂહલગ્નમાં જોડાયા હોવાનો આનંદ છે. એટલે સમાજ હવે શિક્ષિત થઈ રહ્યો હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ 20 યુગલો એવા પણ છે જેઓ આર્થિક રીતે નબળા અને પિતા વિહોણી દીકરીઓ છે.ઉલ્લેખનીય છે કે, આ સમૂહલગ્નમાં મુખ્યમંત્રી સહિના મહાનુભવો તેમજ સુરત શહેરમાંથી અને ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.