ઉમરા પોલીસ સ્ટેશન બાદ હવે ડુમસ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા મહિલા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ વખતે સાયલન્ટ ઝોનમાં આવેલા બેલઝિયા હોટલમાં દારૂ અને હુક્કાની મહેફિલ માનતા બૂટલેગર સાથે વીડિયો વાઇરલ થતા તેની સાથે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બૂટલેગર તેજસ મહેતાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મહિલા ઇન્ફ્લુએન્સર સામે મોડીરાત્રે જાહેરમાં બર્થ ડે ઉજવણીને લઈ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
વીડિયો વાઇરલ થતા જ પોલીસ હરકતમાં આવી
સોશિયલ મીડિયા પર થોડાક દિવસથી એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં બૂટલેગર અને તેની મહિલા મિત્રો દારૂ અને હુક્કાની મહેફિલ માણી રહ્યા હતા. વીડિયો વાઇરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને બૂટલેગર તેજસ મહેતા, મિહિર રમેશ સરવાણી અને બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ લોકો સુરત શહેરના ડુમ્મસ વિસ્તાર ખાતે આવેલા સાયલન્ટ ઝોનમાં આવેલા બેલ્જિયા હોટલમાં દારૂ અને હુક્કાની પાર્ટી કરી રહ્યા હતા અને વીડિયો પણ બનાવ્યો હતો. તપાસમાં આ પણ જાણવા મળ્યું હતું કે, તમામ લોકો બેલ્જિયાની રૂમ નંબર 607માં પાર્ટી કરી હતી અને ત્યારબાદ ત્યાંથી નીકળી ગાડીમાં પણ વીડિયો બનાવ્યો હતો. બૂટલેગર કારમાં પાછળ બેસેલો છે અને આગળ તેની મહિલા મિત્ર સ્પીડમાં ગાડી ચલાવી રહી છે. દારૂ અને હુક્કાની પાર્ટી કર્યા બાદ જ્યારે આ લોકો કાર લઈને રસ્તા પર ઉતરે છે ત્યારે આરોપીની મહિલા મિત્ર 100 કિમી સ્પીડ પર ગાડી ચલાવી રહી છે. જે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે.
આ વીડિયોમાં હુક્કા અને દારૂ સ્પષ્ટપણે જોવા મળે છે. તમામ લોકો નશામાં છે એ પણ વીડિયોમાં દેખાય છે. વીડિયો વાઇરલ થતા તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપી મિહિર ડાયમંડ કંપનીમાં કર્મચારી છે. જ્યારે આરોપી તેજસ મહેતા અગાઉ દારૂના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. તેજસ મહેતાની ધરપકડ ઉમરા પોલીસે કરી હતી. દારૂની હોમ ડિલિવરી કરવા માટે તે ગયો હતો અને ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. વીડિયો વાઇરલ થતા જ્યારે આ આરોપીઓની પોલીસે પૂછપરછ કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ આ દારૂ દમણથી લાવ્યા હતા..
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને આરોપીઓ સાથે જે બે અન્ય યુવતીઓ હતી તેમાંથી એક સોશિયલ મીડિયા પર પોતાને ઇન્ફ્લુએન્સર તરીકે બતાવે છે. હાલમાં જ તેની વિરુદ્ધ સુરત શહેરના ઉમરા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. મોડીરાત્રે સફેદ રંગની ગાડીમાં બેસીને આ યુપીએ બર્થ ડેની ઉજવણી કરી હતી. તેનો પણ વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ ઉમરા પોલીસે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.